નારી શક્તિ ! ગુજરાતમાં એક માત્ર છે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સંઘ મોરબીનો

- text


મોરબીની મહિલાઓએ રૂપિયા 63 કરોડથી શરુ કરેલી દૂધ મંડળી આજે 275 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે

મોરબી : દર વર્ષે 8 માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી મહિલાઓના યોગદાનને યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીની મુઠી ઊંચેરી મહિલાઓના સમૂહે સ્ત્રી સશક્તિકરણની દિશામાં વર્ષો પૂર્વે નવો અધ્યાય શરૂ કરી સંપૂર્ણ પણે મહિલા સંચાલિત દૂધ સંઘની સ્થાપના કર્યા બાદ આજે સંઘ મોટી કંપનીને પણ ટક્કર મારે તેવો થઈ ગયો છે અને શ્વેતક્રાંતિમાં નામના મેળવનાર અમુલ ફેડરેશનને દૈનિક 2 લાખ લીટર પહોંચાડી વર્ષે દહાડે પોણા ત્રણસો કરોડનું ટર્નઓવર કરી રહ્યું છે.

ગુજરાતના એક માત્ર મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સંઘ એવી મયુર ડેરી મોરબીની વર્ષ 2016માં શરૂઆત થઇ, પ્રારંભિક તબક્કે 180 દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ગામડે ગામડે દૂધ એકત્રીકરણ કરી 63 કરોડના ટર્ન ઓવર સાથે શરૂઆત કરવામાં આવી હતી જે આજે સાત વર્ષ બાદ 308 મંડળીઓ દ્વારા 275 કરોડનું ટર્નઓવર ધરાવતી થયું છે. દૈનિક 21,000 લીટર દૂધથી શરૂઆત કર્યા બાદ મહિલા સંચાલિત મયુર ડેરી હાલમાં દૈનિક 2 લાખ લીટર દૂધ એકત્રિત કરી રહી છે. સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોને સૌથી વધુ રૂપિયા 770 પ્ર્રતિ કિલો ફેટ ભાવ આપવામાં આવે છે . હાલ દૂધ સંઘ પાસે બે ચિલિંગ પ્લાન્ટ છે જેમાં એક મોરબી અને બીજો હળવદ ખાતે છે જ્યાંથી તમામ દૂધ અમુલ ફેડરેશનમાં મોકલવામાં આવે છે.

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતાબેન કગથરાએ જણાવ્યું હતું કે મહિલા સંચાલિત મયુર ડેરી હાલમાં દૈનિક 2 લાખ લીટર જેટલું દૂધ એકત્રિત કરી અમુલ ફેડરેશનને મોકલે છે જેમાં હાલમાં હળવદ ખાતે હાલ 50 હજાર લિટરની ક્ષમતા વાળો ચિલિંગ પ્લાન્ટ છે તે ભવિષ્યમાં 2 લાખ લિટરનો કરવાનો પ્લાન છે અને મહિલાઓને દૂધ ઉત્પાદનમાં વધુ પોષણક્ષમ ભાવ આપવાની સાથે સાથે ભવિષ્યમાં દૂધનો પેકીંગ પ્લાન્ટ બનાવવાની યોજના સાકાર કરી છે જે માટેની દરખાસ્ત કરી આપવમાં આવી છે.

- text

મોરબી જિલ્લા મહિલા દૂધ સંઘમાં હાલમાં 11 ડિરેકટરો છે જે તમામ મહિલાઓ જ છે. આ ઉપરાંત મયુર ડેરીમાં કુલ 308 દૂધ મંડળીઓ આવેલી છે જેમાં 238 મંડળી તો એવી છે જેમાં તમામ સદસ્યો મહિલાઓ જ છે એટલે ખાલી દૂધ સંઘમાં જ મહિલાઓ છે એટલું પૂરતું નથી પરંતુ ગામડાઓમાં ચાલતી દૂધ મંડળીઓમાં પણ મહિલાઓનું વર્ચસ્વ હોવાનો પુરાવો દૂધ મંડળીઓ આપી રહી છે.

- text