મહિલા દિન વિશેષ : મોરબી જિલ્લામાં 5385 મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન બની સંકટમોચન  

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૯ વર્ષ પુર્ણ

મોરબી : ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી. આ હેલ્પલાઇને મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 23650 કોલ આવ્યા છે. જેમાંથી 5385 મહિલાઓના પ્રશ્નનું નિવારણ લાવવામાં આવ્યું છે.

રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:૦૫/૦૩/૨૦૨૨૩ નાં રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે.આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.

માત્ર ૦૯ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૮૧,૭૬૭ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૭૭,૪૨૧ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૮૬,૦૬૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. તેમ યાદીમાં જણાવાયુ છે.


૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા

● મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે. 

● ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે. 

● પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. 

● મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.


કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

● મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો) 

● શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ

● લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો

● જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો

● કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી 

● માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)

● આર્થીક  ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો