મોરબીની ચિત્રકુટ ટોકિઝ પાસે નદીની જેમ વહેતી ગટરથી વેપારીઓ પરેશાન

- text


ધારાસભ્ય અને નગરપાલિકાના ઠાલા આશ્વાસનોથી વેપારીઓ કંટાળ્યા, હવે રસ્તા રોકો આંદોલનની ચીમકી

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ મોરબીના સ્ટેશન રોડ પર આવેલી ચિત્રકુટ ટોકિઝની બાજુમાં આ સ્વચ્છતા ઝુંબેશ માત્ર નામની હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ચિત્રકુટ ટોકિઝની બાજુમાં આવેલા રોડ પર છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી રસ્તા પર વહેતું હોવાથી આસપાસના વેપારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકુટ ટોકિઝની બાજુમાં ગટરના પાણી છેલ્લા ઘણા દિવસથી વહી રહ્યા છે. પાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા આજે તમામ વેપારીઓએ એકત્ર થઈને રોષ વ્યક્ત કર્યો હતો. રસ્તા પર ગટરના પાણી ભરાતા હોવાથી ગ્રાહકો પણ બજારમાં આવતા નથી જેથી વેપારીઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે. સાથે જ વેપારીઓમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો હોવાનું વેપારીઓનું કહેવું છે.

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, આ સમસ્યા છેલ્લા બે વર્ષથી છે. છેલ્લા આઠ મહિનાથી તો સતત ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. આ અંગે ધારાસભ્યને રૂબરૂ મળીને ચાર વખત અને 15 વખત નગરપાલિકામાં જઈને રજૂઆતો કરેલી છે. ધારાસભ્ય કાંતિભાઈએ અધિકારીઓને પાઈપલાઈન નાખીને સમસ્યા હલ કરવા સૂચનાઓ પણ આપી છે. તેમ છતાં પાલિકા ઠાગાઠૈયા કરી રહી છે. આ અંગે લેખિત અરજી પણ આપી છે. અમે ટેક્સ ભરતા હોવા છતાં અમારી સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ત્યારે જો બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

- text

ફર્નિચરના વેપારી રમેશભાઈનું કહેવું છે કે, જલારામ હાઈટ્સ નામની બિલ્ડિંગની નીચેની કુંડી તૂટી ગઈ હોવાથી પાણી અહીં બજાર સુધી આવી રહ્યું છે અને અહીંથી પસાર થતાં વાહનોના કારણે ગટરના પાણીના છાંટા ઉડી રહ્યા છે. ગટર સફાઈ કરવા કર્મચારીઓ પણ આવતા ન હોવાનો આરોપ વેપારીઓ લગાવી રહ્યા છે.

- text