મેગ્નેશિયમ કાર્બોનેટની દાણચોરી કેસમાં મોરબીના વેપારીના જામીન ના મંજુર

- text


ભુજ કોર્ટનો ચુકાદો ! પાકિસ્તાનથી માલ મંગાવ્યો હોવા છતાં તુર્કીના ખોટા પુરાવા રજૂ કર્યા હતા

મોરબી : પાકિસ્તાનથી નેચરલ મેગ્નેશિયમ કાર્બોનેટનો 10 કરોડનો જથ્થો વાયા યુએઈથી મંગાવી દાણચોરી કરવાના ગુનામાં ભુજ કૉર્ટે મોરબીની આયાતકાર પેઢીના વેપારી પાર્ટનરની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

કચ્છ ખબરના અહેવાલ મુજબ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, ગાંધીધામે મિસ ડિક્લેરેશન કરીને દાણચોરી કરવા બદલ મોરબીની મેસર્સ વેલ્યૂસ ગ્લેઝ નામની પેઢી વિરુધ્ધ કસ્ટમ્સ એક્ટની વિવિધ ધારા તળે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સંડોવણી બદલ પેઢીના પાર્ટનર નિષાંક ચંદુલાલ ભોરાણિયાની તા. ૦૭-૦૨-૨૦૨૪ના રોજ ધરપકડ કરી હતી.

આ કેસમાં વેપારી પેઢી દ્વારા પાકિસ્તાનથી ઈમ્પોર્ટ થતાં માલ સામાન પર કેન્દ્ર સરકારે ૧૬-૦૨-૨૦૧૯થી ૨૦૦ ટકા ડ્યુટી લાદી હોવા છતાં મોરબીની પેઢીએ પાકિસ્તાનથી વાયા દુબઈ માર્ગે નેચરલ મેગ્નેશિયમ કાર્બોનેટના ૧૮ કન્સાઈનમેન્ટ ઈમ્પોર્ટ કર્યાં હતાં. ઊંચા ટેક્સથી બચવા માટે આરોપીઓએ માલ તુર્કમેનિસ્તાન અને તુર્કીથી ઈમ્પોર્ટ કર્યો હોવાનું ચોપડા પર જાહેર કર્યું હતું. જેથી ૨૦૦ ટકાના બદલે ફક્ત પાંચ ટકા ડ્યુટી જ ભરવી પડે. વધુમાં તપાસમાં બહાર આવ્યું હતું કે કસ્ટમની આંખમાં ધૂળ નાખવા આરોપીઓએ પાકિસ્તાનથી દુબઈ માલ મોકલી અન્ય કન્ટેઈનરોમાં ક્રોસ સ્ટફીંગ કર્યું હતું.

- text

આ કેસમાં તપાસ હજુ નાજૂક તબક્કે ચાલી રહી હોવાનું અને આવા ગુનાથી દેશના આર્થિક વિકાસને નુકસાન થતું હોવાની સરકારી વકીલ ડી.જે. ઠક્કરની દલીલોને ગ્રાહ્ય રાખી તથા ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું સ્વિકારીને છઠ્ઠા અધિક સેશન્સ જજ વિશાલ વી. શાહે નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ જ મોડસ ઓપરેન્ડીથી સરખો માલ આયાત કરનાર મોરબીની અન્ય એક પેઢી આર્કસ ઓવરસીઝના પાર્ટનર દીપ ચંદુલાલ સીતાપરાની પણ ૨૩-૧૨-૨૦૨૩ના રોજ ડીઆરઆઈએ ધરપકડ કરી હતી.

- text