ભગવાન તમામ મનુષ્યોમાં છે, પરંતુ તમામ મનુષ્યો ભગવાન નથી; તેથી જ આપણે પીડાઈએ છીએ. : રામકૃષ્ણ પરમહંસ

- text


આજે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતી : ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું

મોરબી : સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર (દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ-અલગ રસ્તાઓ છે.

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના દિવસે બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇને કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી. સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ગયું.

આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા. રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા હતા.

રામકૃષ્ણ પરમહંસની રત્નકણિકાઓ

૧) તમે રાધા કે કૃષ્ણને સ્વીકારો કે નહિ, પરંતુ તેમનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ અવશ્ય સ્વીકારો. તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યેની એવી જ ઉત્કંઠા પેદા કરો. પ્રભુને પામવા માટે માત્ર ઉત્કંઠાની જરૂરી છે.

૨) ભગવાનને ઘણા બધા રસ્તાઓથી પામી શકાય છે. બધા જ ધર્મો સત્ય છે. મહત્વની વસ્તુ એ છે કે, છત સુધી પહોંચવું. તમે તેને પથ્થરની સીડી વડે કે લાકડાની સીડી અથવા દોરડા વડે પણ પહોંચી શકો છો. તમે ત્યાં વાંસનાં દંડા વડે પણ ચડી શકો છો.

૩) ભગવાન તમામ મનુષ્યોમાં છે, પરંતુ તમામ મનુષ્યો ભગવાન નથી; તેથી જ આપણે પીડાઈએ છીએ.

૪) પ્રભુ બે પ્રસંગોએ હસે છે. એક જયારે દાકતર દર્દીની માતાને કહે છે: “ડરશો નહિ, હું ચોક્કસ તમારા પુત્રને બચાવી લઈશ.” પ્રભુ હસતા હસતા વિચારે છે: “હું આની જીંદગી લેવાનો છું અને આ માણસ કહે છે કે તને બચાવી લેશે!” દાકતર વિચારે છે કે તે જ સર્વોચ્ચ છે, જયારે ભૂલી જાય છે કે તે નહિ પરંતુ ભગવાન સર્વોચ્ચ છે. પ્રભુ બીજી વાર ત્યારે હસે છે જયારે બે ભાઈઓ પોતાની જમીનનાં ભાગ કરે છે, એવું કહીને કે: “આ ભાગ મારો છે અને પેલો તારો.” પ્રભુ હસીને વિચારે છે: “સમસ્ત બ્રહ્માંડ મારું છે, અને આ લોકો કહે છે આ મારું અને પેલું તારું.

- text

૫) ઘણાં લોકોને લાગે છે કે જ્ઞાન અથવા તો પુસ્તકો વગર ભગવાનને સમજવા અશક્ય છે. પરંતુ, સંભાળવું એ વાંચન કરતા સારું છે, અને જોવું એ સંભાળવા કરતા સારું છે. બનારસ વિષે સંભાળવું એ તેના વિષે વાંચવા કરતા અલગ છે. જયારે, બનારસ જોવું એ તો તેના વિષે સંભાળવું કે વાંચન કરવું, તેનાથી સંપૂર્ણ અલગ છે.

૬) બે મિત્રો ફળોની વાડી એ ગયા. તેમનો એક કે જેનામાં દુન્યવી શાણપણવાળો છે, તેણે તરત જ કેટલા આંબા, કેટલી કેરીઓ, ગણવા માંડી અને અંદાજ મારવા લાગ્યો કે સમગ્ર ફળોની વાડીની આશરે શું કિંમત હોઈ શકે. તેનો સાથીદાર વાડીનાં માલિક જોડે ગયો, મિત્રતા કેળવી અને શાંતિથી એક આંબા પાસે જઈને, યજમાનની પરવાનગીથી, કેરી તોડીને ખાવા લાગ્યો. એમાંથી કોને તમે હોશિયાર ગણશો?

કેરી ખાઓ. તે તમારી ભૂખ ને સંતોષશે. આંબા અને પાંદડાની ગણતરી કરવાથી શું ફાયદો? હીન મનુષ્યની બુદ્ધિ તેને વ્યસ્ત રાખે છે “શાથી” અને “શા માટે”, જયારે નમ્ર મનુષ્ય તેના કર્તાની સાથે મિત્રતા કેળવીને તેના પરમ આનંદરૂપી ભેટને માણે છે.

૭) કોણ કોનો ગુરુ? ભગવાન જ સમસ્ત બ્રહ્માંડનાં માર્ગદર્શક અને ગુરુ છે.

૮) ગ્રંથોમાંથી તો માત્ર ખ્યાલ મળશે કે કેવી રીતે પ્રભુને પામી શકાય. પરંતુ આ જ્ઞાન મેળવ્યા પછી, તમારે તેના પર કામ કરવાનું ચાલુ કરવું જ જોઈએ, માત્ર તેથી જ તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરી શકશો.

૯) જેમ જેમ તમે પ્રભુની નજીક જતા જશો, તેમ તમે તર્ક અને દલીલો ઓછી કરતા જશો. જયારે તમે પામી લેશો, ત્યારે બધા અવાજો, બધા જ તર્ક અને વિવાદનો અંત આવે છે. પછી તમે સમાધિમાં, નિંદ્રામાં પ્રભુ સાથે મૌનથી વાતો કરવામાં ચાલ્યા જાઓ છો.

- text