ધૂળિયા મોરબીને ચોખ્ખુ કરવાની જવાબદારી નાયબ મામલતદારોને સોંપાઈ

- text


નગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ માટે 6 નાયબ મામલતદાર અને 10 તલાટીઓની વિશેષ નિમણુંક કરતા પ્રાંત અધિકારી

મોરબી : વિશ્વ ફલક ઉપર છવાઈ ગયેલ મોરબી શહેરમાં સફાઈ અને ભૂગર્ભ પ્રશ્નનો હલ કરવા કલેકટર દ્વારા 15 દિવસ માટે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાની વિશેષ જવાબદારી સુપરત કરી નગરપાલિકાનું વાહન નાગરિકોના ઘેર ઘેર કચરો લેવા જાય છે કે કેમ ? તેને જીપીએસ મારફતે ટ્રેસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

વિશ્વમાં બીજા નંબરના સીરામીક ઝોન મોરબીમાં નગરપાલિકા તંત્ર સફાઈ અને ગટર વ્યવસ્થામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે ત્યારે કલેકટર કિરણ ઝવેરીની સુચનાને પગલે મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાની બગડેલી છબી સુધારવા અને શહેરને ચોખ્ખું ચણાક બનાવવા માટે 15 ફેબ્રુઆરીથી 15 દિવસ માટે નવતર પ્રયોગ શરૂ કરી નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી ઉપર બાજ નજર રાખવા માટે નાયબ મામલતદાર અને તલાટી તેમજ ક્લાર્કને વિશેષ ફરજ સોંપતો હુકમ કરવામાં આવ્યો છે.

વધુમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા મોરબી શહેરને અલગ અલગ આઠ ભાગમાં વહેંચી નહેરૂગેઈટ, પરાબજાર, ખાટકીવાસ, નગરપાલિકા સહિતના વિસ્તાર માટે હળવદ નાયબ મામલતદાર એક.એમ.ત્રિવેદી, મહેસુલ તલાટી મોરબી પી.એન.દેસાઈ તથા મહેસુલ તલાટી મોરબી ગ્રામ્યના પી.ડી.જાણીને જવાબદારી સોંપી છે. એ જ રીતે નાયબ મામલતદાર એચ.ડી.બોપલિયા અને મહેસુલ તલાટી મોરબી શહેર ડી.બી.કુવાડિયા તેમજ ડી.જી.રાઠોડને રોટરીનગર, મહેન્દ્રપરા, અરુણોદયનગર, જુના બસસ્ટેન્ડ, મચ્છી પીઠ સહિતના વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત નાયબ મામલતદાર બી.આર.ડોડીયા, મહેસુલ તલાટી મોરબી ગ્રામ્ય ડી.આર.ભૂત, એચ.એમ.ભૂત તેમજ રણજીત સોલંકીને જુના મોરબીમાં મોચી શેરી, જાણી શેરી, દફતરી શેરી, ભરવાડ શેરી, ખત્રીવાડ સહિતના વિસ્તારમાં સફાઈ કામગીરી ઉપર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.સાથે જ નાયબ મામલતદાર એસ.એ.બારિયા, મહેસુલ તલાટી વી.એ.ઝાટિયા અને ચૂંટણી શાખાના ક્લાર્ક જે.કે.લિખિયાને કાલિકા પ્લોટ, પરસોતમ ચોક, જેલ રોડ, વાઘપરા સહિતના વિસ્તરોમાં સફાઈ વ્યવસ્થા ઉપર નજર રાખવા જવાબદારી સોંપી નાયબ મામલતદાર એમ.કે.પટેલને નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા વાહનો ઉપર બારીકાઇ ભરી નજર રાખી રિપોર્ટ કરવા જવાબદારી સુપરત કરી નગરપાલિકાના ઝોન ઇન્ચાર્જ સાથે દિવસ તેમજ રાત્રી દરમિયાન થતી સફાઈ કામગીરી ચકાસવા સૂચના આપવામાં આવી છે. આ સંજોગોમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો નવતર પ્રયોગ કેવો અને કેટલો સફળ રહે છે તે પંદર દિવસમાં નક્કી થશે.

- text

- text