માં રેવા તારું પાણી નિર્મળ : નર્મદા.. ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે

ગુજરાતીઓની જીવાદોરી સમાન ખળખળ વહેતી નર્મદા નદીની આજે જયંતી : જાણો, નર્મદા નદી વિષે કેટલીક રસપ્રદ વાતો

સાત કલ્પોથી વહેતી નર્મદા નદીની પરિક્રમાનું અનેરું મહત્વ : ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે

નર્મદા નદીની લંબાઈ 1312 કી.મી. : ભારતની પાંચ સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક : કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે

મોરબી :

सबिंदु सिन्धु सुस्खल तरंग भंग रंजितम

द्विषत्सु पाप जात जात कारि वारि संयुतम

कृतान्त दूत काल भुत भीति हारि वर्मदे

त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे ।

આજે નર્મદા જયંતિ છે. આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગુજરાતી પંચાંગ પ્રમાણે મહા સુદ સાતમે માતા નર્મદાનો જન્મ થયો હતો. તેથી, દર વર્ષે આ તિથિએ નર્મદા જયંતી મનાવવામાં આવે છે. નર્મદા જયંતી આ વર્ષે 16 ફેબ્રુઆરી, 2024ને શુક્રવારે એટલે કે આજરોજ છે. નર્મદા નદીનું બીજું નામ રેવા છે. આ નદી ગુજરાતીઓની જીવાદોરી સમાન છે. નર્મદા.. ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે

પવિત્ર નર્મદા નદી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતાં પછી અરબી સમુદ્રને મળે છે. હિંદુ ધર્મમાં ગંગાની જેમ નર્મદાને પણ ખૂબ પૂજનીય નદી માનવામાં આવે છે. ભારતની પાંચ સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે. પ્રાચીન પુરાણો અનુસાર નાગ રાજાઓએ મળીને મા નર્મદાને એ વરદાન આપ્યુ હતું કે જે પણ નર્મદા નદીમાં સ્નાન કરશે. તેના તમામ પાપ પૂર્ણ થઈ જશે અને તે મોક્ષને પ્રાપ્ત કરશે.

નર્મદા નદી વિષે રસપ્રદ વાતો

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા–યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ 1312 કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે, જે મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક 20 કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા સાત કલ્પોથી વહે છે. આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે, જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે. નર્મદા નદીને કાંઠે શ્રી આદિ શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી. ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.

નર્મદા નદીની પરિક્રમાનું અનેરું મહત્વ

નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એકથી બે વર્ષ લાગે છે. જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રાના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે. નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.