હળવદના ઘુડખર અભ્યારણમાં ડાયનામાઈટ ગોઠવી પ્રાણીઓનો શિકાર ! ગાય ઈજાગ્રસ્ત બની

- text


પ્રતિંબંધિત ઘુડખર અભ્યારણ્યમાં શિકારી ટોળકી દ્વારા નવતર પદ્ધતિથી શિકાર માટેનો કારસો : નિર્દોષ ગૌવંશના જીવનમરણ વચ્ચે ઝોલા

હળવદ : વિશ્વના એક માત્ર હળવદ નજીક આવેલ ઘુડખર અભ્યારણ્યમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રણવિસ્તારમાં ગૌવંશ ચરાવવા ગયેલ ગોપાલકની ગાયના મોઢામાં અચાનક બ્લાસ્ટ થતા ગાયનું અડધું જડબું ફાટી ગયું હતું. આ અત્યંત ગંભીર ઘટના પાછળ શિકારી ટોળકીનો હાથ હોવાનું અને જંગલી ભૂંડ સહિતના પ્રાણીઓના શિકાર માટે ડાયનામાઈટ બૉમ્બ ગોઠવી શિકાર કરવા ઘડાયેલ કારસામાં નિર્દોષ ગૌવંશ ઝપટે ચડ્યાનુ બહાર આવ્યું છે, જો કે સમગ્ર મામલે વનવિભાગ અજાણ હોવાનું જણાવી રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ટીકર રણની ધસી નજીક માનગઢ ગામના ગોવિંદભાઇ ભરવાડ નિત્યક્રમ મુજબ પોતાના માલઢોર ચરાવવા જતા ચરિયાણ કરી રહેલા ગાયના મોઢામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ગાયમાતાનુંઅડધા ઉપરાંતનું ઝડબુ લોહીલુહાણ થવાની સાથે ફુરચા બોલી ગયા હતા. આ બનાવ અંગે ટીકરના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, ઘુડખર અબયારણ્યમાં શિકારી ટોળકી સક્રિય બની છે જે લોટના પીંડામાં ડાયનામાઈટ ગોઠવી દઈ બાદમાં લાડવા જેવો પદાર્થ ફેંકી દૂર ચાલ્યા જાય છે અને બાદમાં કોઈપણ પશુ આ લાડવા જેવો ડાયનામાઈટ બૉમ્બ ખાવા જતા પ્રેશરને કારણે પ્રાણીના ફુરચા બોલી જતા હોય છે. ખાસ કરીને રણમાં આવતા જંગલી ભૂંડનો શિકાર કરવા આવા ડાઇનામાઈટના લાડવા શિકારીઓ ફેંકીને શિકાર કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

બીજી તરફ હળવદ વન વિભાગના અધીકારી કરમશીભાઇ રબારીને આ ગંભીર બાબતે પૂછતાં આવી કોઈ ઘટના તેમના ધ્યાને આવી ન હોવાનું જણાવ્યું હતું, જો કે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રીકરના રણમાં આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે ત્યારે વનવિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરે અને રણમાં પેટ્રોલિંગ વધારે તો નિર્દોષ પ્રાણીઓની જિંદગી શિકારીઓથી બચી શકે તેમ છે.

- text