ટંકારાના આંગણે 10મીથી મહર્ષિ દયાનંદના જન્મોત્સવની ઉજવણી : રાષ્ટ્રપતિ પણ આપશે હાજરી

- text


31 દેશોના લોકો આવશે : દરરોજ સવારે 7થી રાત્રે 11 સુધી ભોજન શાળા ધમધમશે : એક મહિનો ચતુર્વેદ યજ્ઞ ચાલશે : ઢગલાબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે

તા.10એ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન સમારોહ, તા.11એ અમિત શાહ અને પરસોત્તમ રૂપાલા આપશે હાજરી , તા.12ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ, સમગ્ર કાર્યક્રમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષતામાં યોજાશે

ટંકારા : ટંકારામાં આગામી 10મી ફેબ્રુઆરીથી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવની ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં 31 દેશોના લોકો હાજર રહેવાના છે. કાર્યક્રમમાં ભવ્ય ચતુર્વેદ યજ્ઞ પણ યોજાવાનો છે. આ સાથે ઢગલાબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાનાર છે.

કાર્યક્રમ અંગે વિગતો આપતા ટંકારા આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ જણાવ્યું છે અગાઉ 100 વર્ષ પૂર્વે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો શતાબ્દી મહોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો હતો. હવે 200મો જન્મોત્સવ પણ ટંકારાના આંગણે યોજાનાર છે. આ ઊજવણી ટંકારા ચોકડી પાસે એચપી પેટ્રોલ પંપ નજીક કરશન જી કા આંગન જગ્યા ઉપર કરવામાં આવશે.

તા.10ના રોજ સવારે 8:30 કલાકે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળ જે જીવાપરા શેરીમાં આવેલ છે. ત્યાં યજ્ઞ કરવામાં આવશે. જ્યાંથી જ્યોત લેવામાં આવશે. જે જ્યોત સાથે ટંકારાના ઇતિહાસમાં નથી નીકળી તેવી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સવારે 9:30 થી 11 સુધી નીકળશે. જે બાદ શોભાયાત્રા કરશન જી કા આંગનમાં પહોંચશે. જ્યોત યજ્ઞ શાળામાં પ્રજ્વલિત કરવામાં આવશે. અહીં ચતુર્વેદ યજ્ઞ ચાલુ કરવામાં આવશે. જે શિવરાત્રી સુધી ચાલુ રહેવાનો છે. આ યજ્ઞમાં 30 હજાર મંત્રો સાથેનું પારાયણ કરવામાં આવશે. બાદમાં આ દિવસે સાંજે આર્યવિરો દ્વારા વ્યાયામ પ્રદર્શન કરવામાં આવશે. સાંજે 750 કુંડી યજ્ઞ પણ કરવામાં આવશે. રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ વૈદિક સંસ્થાનો તેમજ શાળા કોલેજો દ્વારા રજૂ કરવામાં આવશે.

બાદમાં તા.11ના રોજ સવારે 5 વાગ્યાથી યોગના કાર્યક્રમ યોજાશે. જે 8:30 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 9:30 સુધી યજ્ઞ ચાલશે. ત્યારબાદ અલગ અલગ પંડાલોમા અલગ અલગ કાર્યક્રમો યોજાતા રહેશે. આ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે.

- text

ત્યારબાદ તા.12ના રોજ આવી જ રીતે કાર્યક્રમો યોજાશે. કયા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પધારશે. તેઓની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે. ત્રણેય દિવસનો કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં દરરોજ અંદાજે 20થી 25 હજાર લોકો આવશે. ઉપરાંત સવારે 7થી રાત્રે 11 વાગ્યા સુધી ભોજનશાળા ધમધમતી રહેશે. લોકો આ સમય દરમિયાન ગમે ત્યારે ભોજન પ્રસાદ લઈ શકશે. વધુમાં રાજકોટ બસ સ્ટેન્ડ અને હીરાસર એરપોર્ટ ખાતેથી કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે એસટી બસ અને ખાનગી બસો પણ મળશે.

- text