મોરબી બનશે રામમય ; હિન્દુ સંગઠનો દ્વારા બે દિવસીય ભરચકક કાર્યક્રમો

- text


મોરબી : અયોધ્યામાં રામલલ્લાના આગમનને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે સમગ્ર દેશ-દુનિયાના લોકો આ ઘડીની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોરબીવાસીઓ પણ આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા થનગની રહ્યા છે. સમગ્ર પંથકમાં આનંદ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરીએ-શેરીએ અને ગલીએ-ગલીએ તેમજ તમામ મંદિરોમાં 22મી જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમો આયોજિત થયા છે. આ અવસરને યાદગાર બનાવવા મોરબીમાં વિવિધ હિન્દુ સંગઠનોના નેજા હેઠળ બે દિવસીય ભરચકક કાર્યક્રમો આયોજિત થયા છે અને લોકો સ્વયંભૂ આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે.

મોરબી અપડેટ સાથેની વાતચીતમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોના જણાવ્યા મુજબ ગત 9 ડિસેમ્બરના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેરીએ-શેરીએ અને ગામડે-ગામડે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. કુવાડવા, પડધરી, વાંકાનેર, ટંકારા, માળિયા, મોરબીના 450 થી વધુ ગામો સહિત 15 ઉપનગર અને તાલુકામાં કળશયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ 1લી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અક્ષત વિતરણનું મહાઅભિયાન હાથ ધરાયું હતું. જેમાં અક્ષતની પડીકી, શ્રીરામ ભગવાનનો ફોટો અને આમંત્રણ પત્રિકા ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી હતી. આ આમંત્રણ પત્રિકા લગભગ 2,10,000થી વધુ ઘરોમાં વહેંચવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં આરએસએસના 1000 જેટલા કાર્યકરો પણ જોડાયા હતા. આ ઉપરાંત મોરબી શહેર જિલ્લાની 21થી વધુ શાળા કોલેજમાં શ્રીરામ ભગવાનનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.

- text

અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબીમાં આવતીકાલે તારીખ 21/1ના રોજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા નેહરુ ગેટ ચોકમાં રાત્રે 9:00 કલાકે નિજાનંદ માટે મ્યુઝીકલ નાઈટ ભક્તિ સંગીતનું સુંદર આયોજન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી યંગ ઇન્ડિયા ગ્રુપ અને ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઉપાડવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોઈ પણ બાળકો કોઈ કૃતિ કે વેશભૂષા રજુ કરી શકશે. ત્યારબાદ તારીખ 22/1/2024ને સોમવારના રોજ સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા રામ મહેલ મંદિરથી શરૂ થઈ નેહરુ ગેટ ચોક સુધી યોજાશે. ત્યારબાદ નેહરુ ગેટ ચોકમાં સ્ટેજ કાર્યક્રમ પ્રસ્તુત થશે. જેમાં શક્તિ ગરબી મંડળની બાળાઓ અંગારા રાસ રજૂ કરશે અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે. શોભાયાત્રા સાંજે 4:00 વાગ્યે નીકળશે. જેમાં આશરે ચારથી પાંચ હજાર જેટલા લોકો જોડાશે અને સાંજે 7:00 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરેક ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

શહેરના બાપા સીતારામ ચોકમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, ઉમિયા નવરાત્રી મહોત્સવ અને બાપા સીતારામ ચોક યુવક મંડળ દ્વારા પણ અયોધ્યા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21મીએ રાત્રે સમૂહમાં હનુમાન ચાલીસાના ગાન, રાત્રે 10 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ, રાત્રે 11 વાગ્યે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે. 22મી જાન્યુઆરીએ સવારે અલગ અલગ ચાર દ્વારેથી શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા બાદ બપોરે 12:00 વાગ્યે લાઈવ પ્રસારણ અને મહાઆરતી કરવામાં આવશે.

અયોધ્યા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય ત્યારે સમગ્ર મોરબીવાસીઓને આ ઉત્સવમાં જોડાવવા અને આનંદ ઉત્સવ કરવા હિન્દુ સંગઠનો દ્વારા ભાવભર્યુ આમંત્રણ અપાયું છે.

- text