તાપણું કરો ! રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, મોરબીમાં 14 ડીગ્રી

મોરબી : ડિસેમ્બરમાં જોઈએ તેવી ઠંડી નથી પડી ત્યારે જાન્યુઆરીની શરૂઆત સાથે જ રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આજે નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયુ છે. તેમજ કંડલા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કેશોદમાં પણ 12 ડિગ્રી અને મોરબી તેમજ રાજકોટમાં 14 ડિગ્રી ડિસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તથા અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ઉતર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સાથે જ આગામી 5 દિવસ તાપમાન પણ યથાવત રહેશે. બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. એક વખત પણ કોલ્ડવેવની આગાહી આવી નથી અને તાપમાન પણ સામાન્યથી ઉપર રહ્યું છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ અસર થઈ છે. પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.