મોરબીના માળીયા-વનાળિયામાં નવી શાળા બનાવાનું કામ બે વર્ષથી અધ્ધરતાલ 

- text


300 જેટલા બાળકો એક કિલોમીટર દૂર આવેલી બીજી શાળામાં ભણવા જવા મજબુર

ટેન્ડર કોઈ ઉપાડતું ન હોવાથી નવી શાળાના કામમાં બે વર્ષનો વિલંબ થયો : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

મોરબી : સરકાર શિક્ષણ ક્ષેત્રે મહત્વના ભણે ગુજરાત જેવા સુધારાયુક્ત પ્રોજેકટની જાહેરાત કરતી રહી હોય પણ એનો યોગ્ય અમલ ન થવાથી વાસ્તવિકતા જુદી જ સામે આવે છે. જેમાં મોરબીના છેવાડાના સામાકાંઠાનો વિસ્તાર ગણાતા અને હાલમાં નવી ગ્રામ પંચાયત બનેલા માળીયા વનાળિયા ગામની સરકારી શાળાનું કામ બે વર્ષથી ખોરંભે ચડ્યું છે. બે વર્ષ પહેલાં આ શાળા જર્જરિત થઈ જતા બંધ કરી દેવાયા બાદ આશરે એક વર્ષ પહેલાં આ શાળાને નવી બનાવવા જૂની શાળાના આખા બાંધકામને પાડી નાખ્યા બાદ આજદિન સુધી નવી શાળાની વાત બાજુએ રહી પણ એ શાળા બનાવવા માટે પાયો પણ નખાયો નથી. તેથી આશરે 300 જેટલા બાળકો એક કિમીનું અંતર કાપી જોખમી રેલવે ક્રોસિંગ કરીને દૂર વિસ્તારમાં આવેલી બીજી શાળામાં ભણવા જવા મજબુર બનવું પડે છે.

મોરબીના માળીયા વનાળિયા ગામના લોકોના જણાવ્યા મુજબ માળીયા વનાળિયા ગામમાં વર્ષ 1983માં સરકાર દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. પણ ભૂકંપ પછી આ શાળા ખંડિત થઈ ગઈ હોય અવારનવાર શાળાના બાંધકામમાંથી પોપડા ખરતા હોવાથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈને બે વર્ષ પહેલાં આ શાળાને બંધ કરી નાખી હતી અને આ શાળા 300 જેટલા બાળકોને અહીંથી બીજા વિસ્તારમાં આવેલી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોના કહેવા મુજબ માળીયા વનાળિયામાં કોઈ જગ્યા કે ઇમારત ભાડે રાખીને એમાં કામચલાવ ધોરણે શાળા ચાલુ કરી દેવી જોઈતી હતી. કારણ કે, આ ગામના 300 જેટલા બાળકોને એક કિમિ દૂર ચાલીને દરરોજ ભડિયાદ કાંટા પાસે આવેલી શાળામાં જવું પડે છે. એમાં મોટું જોખમ છે. કારણ કે વચ્ચે રેલવે ક્રોસિંગ હોય અને દરરોજ નાના ભૂલકાઓને રેલવે ક્રોસિંગ ફરજિયાત પાર કરવું પડતું હોવાને કારણે કાયમ માટે એ ભૂલકાઓના માતા-પિતાઓનો જીવ તાળવે ચોંટેલો રહે છે. આ દરેક ભૂલકાઓના માતા-પિતા કોઈને કોઈ મજુરી કામે જતા હોય બાળકોને સ્કૂલે મુકવા અને પરત લઈ આવવાનો ટાઈમ જ મળતો નથી. એથી તમામ બાળકોને દરરોજ એકકિમી પદયાત્રા કરીને શાળાએ જવું પડે છે. જ્યારે જર્જરિત શાળા બંધ કર્યાના એકાદ વર્ષ પહેલાં આ શાળાને નવી બનાવવા માટે પહેલા શાળાના સમગ્ર જર્જરિત બાંધકામને તોડી નાખવામાં આવ્યું હતું. પણ શાળા તોડી નાખ્યાને એક વર્ષ પૂરું થયું છતાં નવી શાળા બનવાની વાત તો બાજુએ રહી પણ નવા બાંધકામ માટે એક ઈંટ પણ મુકાય નથી. એટલે આજે પણ આ શાળાનો આખો પટ એકદમ ખુલ્લો છે. હજુ પણ ક્યારે નવી શાળા બનશે ?એ નકકી જ નથી.

ટેન્ડર ઉપડતા ન હોવાથી નવી શાળા બનાવવામાં વિલંબ થયો

- text

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારીયાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં એ શાળાનું ડેમેજ સર્ટી આવતા તેને તોડી પાડીને નવી શાળા બનાવવાનું નક્કી થયું હતું. આ નવી શાળાનું બાંધકામ ગાંધીનગરથી સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા કરવામાં આવનાર છે. એ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પણ કોઈએ ટેન્ડર ઉપાડ્યું જ નથી. એટલે આ નવી શાળા બનાવમાં આટલો બધો વિલંબ થયો છે. જો કે ટેન્ડર ન ઉપડતું હોય છતાં પણ આ અધિકારીએ તેમની કક્ષાએથી સ્પે.ગેસ્ટમાં આ શાળાનો સમાવેશ કરી વહેલી તકે નવી શાળા બને તે માટે હમણાં જ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કર્યો હતો અને હવે ચોથા પ્રયત્નમાં માર્ચ સુધીમાં બધા ટેન્ડર ઉપડી જાય એવી આશા હોવાથી આગામી સમયમાં નવી શાળા બનાવાનું કામ શરૂ થશે તેવું તેઓએ જણાવ્યું હતું.

- text