યજ્ઞ ખૂબ જ મોટું વિજ્ઞાન, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે યજ્ઞ થકી થતી વતાવરણ શુદ્ધિ અત્યંત આવશ્યક

ઓર્ગોનિક ખેતીમાં વપરાતો ગોબરરૂપી મિથેન ગેસ પણ હવાને પ્રદુષિત કરતો હોવાનું જણાવતા રાજ્યપાલ દેવવ્રતજી

મોરબી : મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત આર્યસમાજ દક્ષિણ પ્રેરિત વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિતે વૈદિક પરંપરા જીવંત રાખવા માટે આજે 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, 200 કિલો ઘી સહિત ટનબંધ અન્ય સામગ્રી વિવિધ સામગ્રીઓને યજ્ઞમાં હોમાવાથી વાતાવરણ એકદમ ભક્તિમય અને અલૌકીક બની ગયું હતું. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ભોગવિલસી જીવનને કારણે પ્રકૃતિ સાથે ચેડાં થવાથી ઉદ્દભવેલો ગ્લોબલ વોર્મિગ નામનો રાક્ષસ સર્વનાશ નોતરશે તેવી ચેતવણી આપી એનાથી બચવા વૈદિક સંસ્કૃતિને જીવંત કરવાની શીખ આપતા જણાવ્યું હતું કે યજ્ઞ એક મોટું વિજ્ઞાન છે, યજ્ઞમાં અપાતી આહુતિઓથી વાતાવરણ શુદ્ધ બને છે અને યજ્ઞમાં ગ્લોબલ વોર્મિંગને અટકાવવાની શક્તિ હોવાનું જણાવી રસાયણિક ખેતીની સાથે ગૌમૂત્ર અને ગોબર થકી થતી ઓર્ગેનિક ખેતી પણ પર્યાવરણ માટે જોખમી હોવાનું જણાવ્યું હતું.

મોરબીના આંગણે આર્યભૂમિના ભવ્ય અને વિશાળ સામીયાણામાં યોજાયેલા 1100 કુંડી મહાયજ્ઞમાં બેસીને 4400 લોકોએ લાભ લીધો હતો. આચાર્ય આર્ય નરેશજી ડોહર હિમાચલ પ્રદેશ, આચાર્ય અજયજી ભાવનગર, આચાર્ય શીતલજી રોજડ વગેરે વૈદિક વિદ્વાનો દ્વારા આ 1100 કુંડી મહાયજ્ઞમાં યોજાયેલી ધર્મસભાને સાબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતે આર્યસમાંજી વિચારધારાથી પ્રેરિત હોય વર્ષોથી સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા અને મોરબી સાથે અતૂટ નાતો હોવાનું જણાવી મોરબી વિશે ઘણું સાંભળ્યું હોય એથી ક્યારે મોરબીવાસીઓ બોલાવશે તેવી ઉત્કંઠા વચ્ચે આજે પ્રથમ વખત મોરબીમાં આવવાનું થયું એ બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, “મોરબી અને ટંકારા મારા સહિત અનેક લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. ટંકારાની પવિત્ર ભૂમિ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જ્ન્મ થયો હતો. તેઓએ વિદ્યાપ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો બાદ તેઓએ વેદોનું જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજના કુરિવાજો, સતીપ્રથા, અસ્પૃશ્યતા, સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવી, વિદેશની ગુલામીમાંથી મુક્તિ જેવી કુરીતોનું નિરાકરણ કરી સમાજને નવી દિશા આપી કુરિવાજોમાંથી મુક્તિ અપાવી છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મહાયજ્ઞ મનુષ્યને ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો પ્રસ્થાપિત કરનાર યજ્ઞ છે. યજ્ઞએ બહુ મોટું વિજ્ઞાન છે. યજ્ઞથી આજુબાજુનું વાતવરણ પવિત્ર થાય છે. યજ્ઞને આદિકાળથી ઋષિઓએ મહાન અને પવિત્ર કાર્ય ગણાવ્યું છે. પ્રાચીન ભારતમાં રાજા મહારાજાઓ ઋષિઓને આમંત્રણ આપી યજ્ઞ કરતા હતા. રાજ્યપાલજીએ આ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, “વેદોના મંત્રોથી કુરિવાજોની આહુતિ આપી યજ્ઞને પુનઃ પ્રસ્થાપિત કરવાનું કાર્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને વેદનું જ્ઞાન આપવામાં આવતું હતું અને તેમનું સમ્માન કરવામાં આવતું હતું. પરંતુ મધ્યકાળમાં વિદેશીઓ અને અંગ્રેજોની ગુલામીમાં સ્ત્રીઓ સાથે અન્યાય થયો હતો. દયાનંદજીએ નારીઓનું પુન સમ્માન અપાવ્યું હતું. અનેક ક્રાંતિકારીઓ જેમાં ભગતસિંહ, લાલા લજપતરાય જેવા ક્રાંતિકારીઓએ દયાનંદ સરસ્વતીના વિચારોમાંથી પ્રેરણા લઇ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. દયાનંદ સરસ્વતી તેઓના ‘સત્યાર્થ પ્રકાશ’ નામના ગ્રંથમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વિચારધારા તેઓએ રજૂ કરતા લોકોમાં સ્વદેશ અને રાષ્ટ્રપ્રેમનો ભાવ ઉભો થયો છે.

રાજ્યપાલજીએ સજીવ ખેતી વિશે જણાવ્યું હતું કે, “આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ સાથોસાથ સજીવ ખેતીને બદલે રસાયણિક ખેતી વધુ થવાથી લોકોના આરોગ્યને નુકશાન થવા લાગ્યું. આપણી પ્રાચીન પરંપરા સજીવ ખેતી હતી. જે શરીરને શુદ્ધ કરે છે. તે રીતે ભારતીય વેદોમાં પર્યાવરણને શુદ્ધ કરવાની પરંપરા છે. જે જડ દેવને પ્રસન્ન કરે છે અને વરસાદ લાવે છે. વાતાવરણને શુદ્ધ કરે છે. વધુમાં આચાર્યજીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂક્ષ્મ નેતૃત્વમાં દેશ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. દુનિયાની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા જઇ રહી છે. ત્યારે એમાં આપણે સૌ સંગઠિત બનીને એકતાની આહુતિ આપીએ, પ્રકૃતિનું સંરક્ષણ કરીને, દુઃખીઓની સેવાઓ કરવી જોઇએ.

સમારોહ પહેલા રાજ્યપાલજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આર્ય મહામંડળની બહેનો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ઋણ ઉજાગર કરતું ગીત, આર્ય વિદ્યાલય ટંકારાની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સમિતિના મહામંત્રી રમેશભાઈ બાવરવાએ ૧૧૦૦ કૂંડી યજ્ઞનું મહત્વ સમજાવી મોરબીમાં આર્ય સમાજ બનાવવા રૂ.૧૧ લાખના દાનની જાહેરાત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લો સિરામિક, ઘડિયાળનાં ઉદ્યોગથી જગ પ્રસિદ્ધ છે. ત્યારે આ જ જિલ્લાનાં ટંકારામાં સરકાર દ્વારા ૧૫ એકર જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે.

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત આર્ય સમાજ દક્ષિણ પ્રમુખ મહેશભાઈ ભોરણીયા દ્વારા તેમજ બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશથી પધારેલા પૂજ્ય આચાર્ય આર્યનરેશ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સદસ્ય કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, કલેકટર જી.ટી. પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, આર્યસમાજના અગ્રણીઓમાં માવજીભાઈ દલસાણીયા, પશ્ચિમ ક્ષેત્રના સરસંચાલક ડૉ.જયંતીભાઈ ભાડેસીયા, દાતાઓ, આગેવાનો અધિકારીઓ અને ભોળી સંખ્યામાં મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.