મોરબી લાલબાગ નજીક પાણીની લાઈનમાં ભંગાણ : 10-10 ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડયા

- text


નટરાજ ફાટક ઓવરબ્રિઝના વૈકલ્પિક રોડના કામમાં લાઇન તૂટી, લાખો લીટર પાણીનો વેડફાટ, આસપાસમાં પાણીના તલાવડા ભરાયા

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ લાલબાગ નજીક મહારાણા પ્રતાપ સર્કલ પાસે આજે સવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીની લાઈનમાંથી 10-10 ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડયા હતા અને એકાદ કલાકથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેથી આસપાસના વિસ્તારમાં પાણીના તલાવડા ભરાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાંકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ લાલબાગ નજીકથી નીકળતી પાણીની લાઈનમાં આજે ભંગાણ થયું હતું. નોંધનીય છે કે, ઓવરબ્રિજ માટે બની રહેલા સર્વિસ રોડનું કામ ચાલુ હોય એ દરમિયાન પાણીની લાઇન લીકેજ થવાથી 10-10 ફૂટ જેટલા ઉંચા પાણીના ફુવારા ઉડયા હતા અને રીતસર પાણીનો ધોધ વછૂટતા આસપાસના વિસ્તારો પાણી -પાણી થઈ ગયા હતા.

ભર શિયાળે વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ છે. એકાદ કલાકથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ પાણીની લાઈનમાં ભંગાણ અંગે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો, આ સંજોગોમાં તંત્ર વહેલીતકે પાણીની લીકેજ લાઈનનું યોગ્ય રીપેરીંગ કરીને વધુ પાણીનો થતો વેડફાટ અટકાવે તેવી માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું અને ખાસ્સો સમયે સુધી પાણીની લાઇન લીકેજ રહેતા મોટી માત્રામાં પાણીનો બગાડ થયો હતો. ત્યાંજ હવે અહીંયા પાણીની લાઈનમાંથી હજારો લીટર પાણી વહી રહ્યું છે. જેથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

- text