આજથી ઢોલ-શરણાઈના પડઘમ બંધ : ધનુર્માસ (કમુહુર્તા) શરૂ થતાં માંગલિક કાર્યો પર રોક

- text


ધનુર્માસ વિદ્યાભ્યાસ માટે સર્વોત્તમ : આ માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી બલરામે સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને ૬૪ કળાઓનો અભ્યાસ કર્યો હતો

મોરબી : હિન્દુ ધર્મમાં દરેક માસ અને તિથિનો આગવો મહિમા છે અને તેને આનંદ અને ઉલ્લાસથી શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ઉજવવામાં પણ આવે છે. આજે એટલે કે તા. 16 ડીસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ધનુર્માસમાં ભક્તિ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાથી એક મહિના એટલે કે 13 જાન્યુઆરી સુધી મંદિરોમાં ધૂન-ભજન ગુંજવા લાગશે.

ધનુર્માસનો પ્રારંભ થતાં જ માંગલિક કાર્યો એક મહિના માટે થશે નહી. લગ્નો, મકાનો અને ઓફિસોના શુભારંભ આદિ માંગલિક કાર્યો અટકી જશે. કારણ કે ધનુર્માસમાં પૂર્વ દિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે, તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી કોઇ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

મહાભારતનો મહાસંગ્રામ ધનુર્માસમાં થયો હતો. આ યુધ્ધમાં લાખોની સંખ્યામાં લોકો મરાયાં હતાં. તેથી, તેને અમાંગલિક ગણવામાં આવે છે. આ ધનુર્માસને વિદ્યાભ્યાસ માટેનો માસ ગણવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાન અને બલરામ સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો. તેથી, વિદ્યાઅભ્યાસ માટે આ માસને સર્વોત્તમ માનવામાં આવે છે. આ માસમાં ભગવાન ભણવા જાય છે એમ માનવામાં આવે છે.

- text

ધનુર્માસ માટે એક માન્યતા એવી પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભિષ્મ પિતામહ આ માસમાં જ બાણશય્યા પર ઢળી પડયા હતા. તેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું. તેથી, પવિત્ર સમયની રાહમાં મકરસંક્રાંતિ સુધી બાણશૈયા પર અસહ્ય પીડા સહન કરી તેથી આ સમયને શુભ નહીં ગણતા આ સમયમાં માત્ર નામસ્મરણ જ થઈ શકે છે.

- text