મોરબીના ગાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો

- text


જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ : સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચનું સન્માન

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરક સંદેશો ઉપસ્થિતોએ સાંભળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું છે કે, ભારતનો દરેક નાગરિક વી.આઈ.પી. છે. ત્યારે આ તમામ વી.આઈ.પી. સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ગુજરાતના જન જન સુધી પહોંચી તેમને ઘર આંગણે તમામ યોજના લાભ પહોંચાડવાના હેતુથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ આયોજનના ભાગરૂપે આજે મોરબી તાલુકાના ગાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.

આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીની ગાડી આજે ગાળાના આંગણે આવી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌની સહભાગી સુનિશ્ચિત કરવાનો છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓથી કોઈ વંચિત ન રહે તે બાબતનું આ યાત્રા દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સરકાર દ્વારા અહીં ખેતરે ખેતરે ડ્રીપ એરીગેશનથી ખેતી થાય તે તરફના આયોજનો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગે કરેલી કામગીરી માટે તમામ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પૂર્ણા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે તેમના અનુભવો અને ખેત પદ્ધતિ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે રાશન કીટ તથા ઉજ્જવલા યોજના અન્વયે કીટ વગેરે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં સફળ મહિલા શક્તિ તથા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવો હસ્તે ગાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ સૌએ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ તથા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લીધી હતી.

આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસાયણિક ખાતરની આડઅસરો અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતું પ્રકૃતિ સંવર્ધન માટેનું નાટક તથા ધરતી માતાની વ્યથા રજૂ કરતા ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ગામના સરપંચ, ગામના આગેવાનો, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ તથા ગાળાના ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- text

- text