નકલી ટોલનાકા કાંડના વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓના હવાતિયા : કોંગ્રેસનો ધગધગતો આરોપ

- text


ગુજરાત સરકારની મીઠી નજર નીચે ભાજપના આગેવાનો જ નકલી ટોલનાકુ ચલાવતા હોવાનો આક્ષેપ

મોરબી : વાંકાનેરના વઘાસિયામાં અસલી સાથે નકલી ટોલ પકડાયા પછી તપાસના નામે કોઈ જ પ્રગતિ ન થઈ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ ધગધગતા આક્ષેપો કરી નકલી ટોલનાકા કાંડના વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓ હવાતિયા મારી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ પોતાના સ્ફોટક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નકલી નકલીનો ખોફ છે, ત્યારે સરકારનો કોઇ ખોફ ન હોય તેવી સ્થિતિ હાલ ગુજરાતમાં ચાલી રહી છે. તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામ પાસે અસલી ટોલનાકાની સમાંતર ત્રણ ત્રણ નકલી ટોલ ઉઘરાવવાનુ છેલા બે વરસથી ચાલી રહેલ હતુ અને આ ટોલ નાકાના સંચાલક તરીકે આરોપીઓમા ભાજપના આગેવાનના નામ ખુલ્યા છે ત્યારે આ આરોપીઓનો બચાવ કરવા એક અઘિકારી જે પહેલા મોરબી પછી વાંકાનેર અને હાલ મોરબી ફરજ બજાવી રહેલા છે તે આ આરોપી ને બચાવવા તપાસ સમિતિના નામે નાટક કરી તમામ આરોપીને બચવા હવાતિયાં મારી રહ્યા હોવાની મોરબી જિલ્લાની પ્રજામાં ચર્ચા થઈ રહેલ છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે, ખરેખર જો પ્રજામાં થતી ચર્ચા મુજબ વાત સત્ય હોય તો આ અઘિકારી કોણ તે અંગે તપાસ કરી જવાબદાર અઘિકારીની આ ટોલ નાકામાં મિલી ભગત માની તેમની સામે પણ તપાસ કરવી જોઇએ. વધુમાં બનાવટી ટોલનાકા બાબતે મોરબી વાંકાનેર ધારાસભ્ય તેમજ મોરબી કચ્છ અને રાજકોટ સીટના સાંસદ સભ્યો આ બાબત મૌન બેઠા છે આવડા મોટા કૌભાંડમાં પ્રજાના લોક પ્રતિનિધિઓ શા માટે બોલતા નથી તે પણ એક મોટો સવાલ છે.

- text

વધુમાં રામજીભાઈ રબારીએ ગંભીર આરોપ લગાબતા કહ્યું હતું કે, શું નકલી ટોલનાકા કૌંભાંડના આરોપીઓને રાજનેતાઓના આશીર્વાદ છે ? આ નકલી ટોલનાકું ચાલતું હતું કે તેમની પણ આમાં મિલી ભગત હતી ? સાથે જ તપાસ સમિતિના નાટક કરવા ને બદલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી છેલ્લા બે વર્ષથી ટોલનાકાની આવક ઊભી કરેલી છે તે આવક તેમની પાસેથી વસૂલ કરી સરકારમાં જમા કરાવી જોઈએ તો જ લોકોને આ સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં તો કહેવત પ્રમાણે મર્ડર કરનાર માણસ જ પોસ્ટમોર્ટમ કરે તેવો ઘાટ સર્જાશે તેવું લાગી રહ્યું હોવાનું જણાવી કૌભાંડમાં જવાબદાર લોકો સામે દબાણમાં આવ્યા વગર કડક કાર્યવાહી કરવા મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ અંતમા માંગ ઉઠાવી હતી.

- text