આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ : જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવવા માનવ અધિકારોની આવશ્યકતા

- text


સમાનતા, શાંતિ, ન્યાય, સ્વતંત્રતા અને માનવ ગૌરવને પ્રોત્સાહન આપવાનો ઉદેશ

મોરબી : સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ’ની ઉજવણી તા. ૧૦ ડિસેમ્‍બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્‍મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે, તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી છે.

માનવ અધિકારોમાં સ્વતંત્રતા અને સુરક્ષાનો અધિકાર, આર્થિક શોષણ સામે પગલાં લેવાનો અધિકાર, રંગ, જાતિ, ભાષા, ધર્મના આધારે સમાનતાનો અધિકાર, કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર, કાયદા સમક્ષ પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકારનો સમાવેશ કરી શકાય. વિશ્વભરમાં સમાનતા, શાંતિ, ન્યાય, સ્વતંત્રતા અને માનવ ગૌરવના રક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ઉજવવામાં આવે છે.

માનવ અધિકારોના ખ્યાલનો ઉદ્ભવ

વિશ્વમાં માનવ અધિકારોના ખ્‍યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઈંગ્લેન્ડમાં બનાવાયેલ લેખિત દસ્‍તાવેજ ‘મેગ્નાકાર્ટા’ને ગણી શકાય. માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થવા જોઇએ, તેવા તમામ અધિકારો ‘મેગ્નાકાર્ટા’ દસ્‍તાવેજથી ઇગ્‍લેંડની પ્રજાને આપવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૯૧૪થી ઇ.સ. ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્‍ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્‍તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. જેની ફલશ્રુતિરૂપે ઇ.સ. ૧૯૪૫માં વૈશ્વીક સ્‍તરે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર’ શબ્‍દોનો પ્રયોગ કરવામાં આવેલો હતો.

- text

માનવ અધિકારોના રક્ષણ અર્થે સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સૌ પ્રથમ વખત ૧૦ ડિસેમ્‍બર, ૧૯૪૮ના રોજ યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુ.ડી.એચ.આર.) નામનો દસ્‍તાવેજ બનાવવામાં આવેલો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ, કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના વર્ષ ૧૯૯૩માં થઇ હતી તેમજ ઓક્ટોબર, ૨૦૦૪ સુધીમાં ૧૪ જેટલા રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી છે.

માનવ અધિકારોના ભંગ બદલ ફરિયાદ ક્યાં કરી શકાય?

માનવ અધિકારોના ભંગના કિસ્‍સાઓમાં કોર્ટમાં જ ફરિયાદ કરી શકાય છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તેમજ રાજ્‍ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્‍ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે.

- text