મોરબીમાં ગોળી ધરબીને હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

- text


6 વર્ષ જુના મર્ડર અને ખંડણીના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો

મોરબી : મોરબીમાં પૈસાની ઉઘરાણીના પૈસે મર્ડર કરવાના અને ખંડણી માંગવાના 6 વર્ષ જુના કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ 15/04/2017ના રોજ આરોપી જયેશ શામજીભાઈ કાસુન્દ્રાએ ચંદ્રકાંત પ્રેમજીભાઈ જેઠલોજા રહે.જૂની પીપળી વાળાને પૈસાના હિસાબની લેતીદેતી બાબતે મહેન્દ્રનગર ચોકડી ખાતેથી કારમાં આમરણ લઈ જઈ ત્યાં પિસ્તોલથી ફાયરિંગ કરી ચંદ્રકાન્ત પ્રેમજીભાઈ જેઠલોજાની હત્યા કરી નાખી હતી બાદમાં લાશને કારમાં નાખી તેને રાજકોટ બાયપાસ રોડ નજીક મચ્છું નદી પાસે અવાવરૂ જગ્યાએ પાણીમાં નાખી દીધી હતી. બાદમાં કારને અવાવરૂ જગ્યાએ મૂકી મૃતકના પિતા પાસેથી રૂ.3 કરોડની ખંડણી માંગી હતી.

- text

આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ વિજયકુમારની ધારદાર દલીલો અને ફરિયાદ પક્ષે રજૂ થયેલ 43 મૌખિક પુરાવા તથા ફરિયાદ પક્ષે રજૂ થયેલ 54 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપી જયેશભાઇ શામજીભાઈ કાસુન્દ્રાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકરવામાં આવ્યો છે. જો દંડની રકમ ભરપાઈ ન થાય તો 60 દિવસની વધુ સજા કરવાનો ચુકાદો આપ્યો છે.

- text