વાંકાનેર પંથકમાં બર્ફીલા વાવાઝોડાએ તબાહી મચાવી : ખેડૂતોને વ્યાપક નુકશાન 

- text


હસનપર, જાલી અને જેતપરડા સહિતના ગામોમાં ઊભો કપાસ, જીરું, મકાઈના પાકને વ્યાપક નુકશાન : સિરામીક ફેક્ટરી અને ઇટો સહિતના કારખાનામાં મોટી નુકશાની  

મોરબી : વાંકાનેર પંથકમાં હસનપર ગામે બર્ફીલા તોફાને તબાહી મચાવતા હસનપર, જાલી અને જેતપરડા સહિતના ગામોમાં ઊભો કપાસ, જીરું, મકાઈના પાકનો સોથ વળી ગયો હતો સાથે જ હસનપર રોડ, જેતપરડા રોડ ઉપર સીરામીક ફેકટરીઓ અને ઇટો સહિતના કારખાનામાં વ્યાપક નુકશાન થયાનું બહાર આવ્યું છે.

વાંકાનેરના હસનપર ગામે રહેતા દિનેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઝંઝાવાતી પવન સાથે બરફનો વરસાદ પડતાં કારખાનેદારો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાંચ કે છ મિનિટ સુધી લગાતાર બરફની આંધી આવતા ખેતરો અને તમામ કારખાનાઓમાં તેમજ ઘરોમાં રીતસર બરફની ચાદર છવાઈ ગઈ હતી. જેમાં હસનપર રોડ ઉપર આવેલા ઇટો તેમજ જેતપરડા રોડ ઉપર આવેલ સેનેટરી વર્સ અને ટાઇલ્સના કારખાનાના શેડ બરફના કરાથી ચારણી થઈ ગયા હતા. આ તમામ કારખાનાઓમાં કાચો તેમજ તૈયાર માલને પણ મોટું નુકસાન થયું હતું.

વધુમાં હસનપર, જાલી અને જેતપરડા સહિતના ગામોમાં ખેતીમાં પણ મોટું નુકસાન થતા રવિ પાકનું નામોનિશાન રહ્યું ન હતું. વાડીઓ અને ખેતરોમાં બરફનો રીતસર પથરો થતા રવિ પાકનું ખેદાન મેદાન થઈ ગયું હતું. તેમના 100 વિઘા જેટલી જમીનમાં કરેલા રવિ પાકનું અસ્તિત્વ જ મિટાવી દીધું હતું. આ ઉપરાંત હસનપર, જાલી અને જેતપરડા ગામના ખેડૂતોના ઉભેલા કપાસ, જીરું, અમેરિકન મકાઈ સહિતના પાકનો મોટાપ્રમાણમાં સોથ બોલી જતા સંબધિત તંત્ર અને સરકાર આ અંગે સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

- text

- text