ન જાતુ યમયાતના : ભાઈબીજે કરેલું યમુનાપાન અને યમુનાસ્નાન યમયાતનામાંથી મુક્તિ આપે છે

- text


આ દિવસે યમરાજા બહેન યમુનાના આમંત્રણને માન આપીને તેમની ઘરે જમવા ગયા હોવાની કથા પ્રચલિત 

મોરબી : આજે ભાઈબીજ એટલે કે યમ દ્વિતીયા. કારતક સુદ એકમના દિવસે આવતા ભાઈબીજની કથા યમરાજા અને તેમના બહેન યમુના સાથે સંકળાયેલી છે. સૂર્યના પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. સંજ્ઞા પોતાના પતિ સૂર્યના ઉદ્દીપ્ત કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગ્યા. તેનાથી તાપ્તી નદી તથા શનિશ્વર દેવનો જન્મ થયો. અને આ છાયાથી જ સદાય યુવાન રહેનાર અશ્વિનીકુમારો પણ જન્મ થયો છે. જે દેવતાઓના વૈધ માનવામાં આવે છે.

ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે સંજ્ઞા (છાયા)નો યમ તથા યમુનાની સાથે વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુનાજી પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈ દુઃખી થતી હતી, એટલા માટે તે ગોલોકમાં ચાલી ગયા.

એક વાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયાં અને કહ્યું, ‘ભાઈ, કાલે મારે ઘરે જમવા આવજો.’ છતાં યમરાજા ન ગયાં. બીજે દિવસે યમુનાજીએ પૂછ્યું ‘ભાઈ, તમે જમવા કેમ ન આવ્યા ?’ યમરાજાએ તો બહાનું બતાવ્યું. એટલે યમુનાજી બે વાર, ત્રણ વાર, ચાર વાર નોતરું દઈ ગયાં. છતાં યમરાજા તો ન ગયા તે ન જ ગયા. બહેનને ના તો કહેવાય નહિ એટલે આજે આવીશ, કાલે આવીશ, પરમ દિવસે આવીશ. એમ કહ્યા જ કરે. યમુનાજી કંટાળ્યાં. એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહથી આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ બહેનને ત્યાં જમવાનો સંકલ્પ કર્યો, પણ નરકની સંભાળ કોણ રાખે.

યમરાજાએ તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા. કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા. યમુનાજીએ તો ભાતભાતની રસોઈ કરીને પ્રેમથી જમાડ્યા. બહેનના સત્કારથી યમરાજા પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવા કહ્યું. યમુનાજીએ કહ્યું ‘ભાઈ હંમેશા નહિ તો વરસમાં કારતકની બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા. કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાની બહેનના હાથે જમે તેને સુખ આપવું.’ યમરાજા બોલ્યા ‘બહેન મારું વચન છે કે, હું કારતકની અજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ અને જે ભાઈઓ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહિ જુએ.’

- text

યમરાજાએ વરદાન તો આપ્યું પણ સાથેસાથે યમ ચિંતિત થઈ ગયા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. ભાઈને ચિંતિત જોઈ બહેન બોલી, “ભાઈ, ચિંતા ન કરો, મને એવું વરદાન આપો કે જે લોકો આજના દિવસે બહેનને ત્યાં ભોજન કરે તથા મથૂરા નગરીમાં સ્થિત વિશ્રામઘાટ ઉપર સ્નાન કરે, તે યમપુરી નહીં જાય.” યમરાજે આ વાતનો સ્વીકાર કર્યો અને વરદાન આપ્યું.

યમુના પાન અને સ્નાનનું મહત્વ

ભાઈબીજ પર્વ ધર્મરાજ યમ અને તેમની બહેન યમુનાના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે યમ અને યમુનાની જેમ જ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો આદર સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમ અને યમુના પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુના સ્નાન કરવું જોઈએ. એમ કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં યમુનાનું પાણી મેળવીને નહાવું જોઈએ. ત્યારબાદ યમુના દેવી અને ધર્મરાજ યમ પ્રણામ કરી પૂજન-અર્ચન કરવું જોઈએ. ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમતીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુનાસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે

યમુનાષ્ટકમાં મહાપ્રભુજી લખે છે. ‘ન જાતુ યમયાતના’ અર્થાત્ “હે યમુને! તારા પવિત્ર જળમાં સ્નાન કરનાર, તારું પાન કરનાર, તને વંદન કરનાર, તારું સ્મરણ કરનાર, યમુનાષ્ટકનો પાઠ કરનાર જીવ શુદ્ધ બનીને ઠાકોરજીને પ્રાપ્ત કરે છે તથા યમયાતના ભોગવતો નથી. ત્યારે આપણે સૌ ભાઈબીજના પવિત્ર દિવસે શ્રીયમુનાજીનાં ચરણકમળમાં વંદન કરીને કૃતાર્થ બનીએ.

શ્રીકૃષ્ણ અને સુભદ્રા

આ ઉપરાંત, અન્ય કથા એ પણ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરીને પોતાની બહેન સુભદ્રાના ઘરે ગયા હતા. ત્યારે ભગવાન કૃષ્ણનું સ્વાગત કરવા સુભદ્રાએ તેમને લલાટે કુમકુમ તિલક લગાવ્યું અને તેમને ભોજન કરાવ્યું. ત્યારથી ભાઈબીજનો તહેવાર શરૂ થયો હતો.

- text