ભગવાન શ્રીકૃષ્ણે ગિરિરાજજી ટચલી આંગળી વડે ધારણ કરીને ઇન્દ્રના કોપથી વ્રજવાસીઓને ઉગાર્યા

- text


શ્રીમદ્ ભાગવતજીના દશમસ્કંધના છવ્વીસમાં અધ્યાયમાં ગોવર્ધન પૂજા તથા અન્નકૂટ મનોરથનું સુંદર વર્ણન

મોરબી : આજે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથનો ઉત્સવ છે. ગુજરાતી પંચાંગ મુજબ કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિવસે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ગોવર્ધન પૂજા કરીને ઠાકોરજીને અન્નકૂટનો ભોગ ધરવામાં આવે છે. સનાતન ધર્મમાં ગોવર્ધન પૂજાના તહેવારનું ઘણું મહત્વ છે. આ દિવસે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને માતા ગાયની વિશેષ પૂજા કરે છે. ગોવર્ધન પૂજા શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ સાથે આ દિવસે ભક્તો ગોવર્ધન પર્વતની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગાયોની પૂજા પણ કરે છે. આ ઉત્સવ સાથે શ્રી કૃષ્ણે ગિરિરાજજી ધારણ કર્યાં તેની કથા સંકળાયેલી છે.

ગિરિરાજ પર્વત એ ઠાકોરજીનું જ એક સ્વરૂપ છે અને તે ઠાકોરજીના અંગમાંથી પ્રગટ થયો છે. તેથી, તેનો રંગ મેઘશ્યામ છે. શ્રીમદ્ ભાગવતજીના દશમસ્કંધના છવ્વીસમાં અધ્યાય અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે ગિરીરાજજીનું પૂજન કર્યું અને ગિરીરાજજીને ધારણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનું ગોવર્ધન ધારણ કરેલું સ્વરૂપ એ જ શ્રીનાથજીનું સ્વરૂપ છે.

આ કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ સાંભળ્યું કે વ્રજના ગોવાળો ‘શક્રમહ’ ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ત્રિલોકનો નાથ બધું જ જાણે છે, છતાં તેણે ગોપગ્વાલોને પૂછયું કે “આ બધી શેની તૈયારી ચાલે છે? અને આ શક્રમહ શું છે?” ત્યારે એક ઘરડા ગોવાળે કહ્યું કે ,”કાના ! ઇન્દ્રરાજા આપણા સૌના દેવતા છે અને એ જ વરસાદ મોકલે છે. સૂર્ય-ચંદ્રને પણ એ જ પ્રકાશિત કરે છે. ધનધાન્યનું એ જ પોષણ કરાવે છે. આ ઇન્દ્ર યજ્ઞને ‘શક્રમહ’ કહેવાય છે.’

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે ઇન્દ્ર રાજાનો યજ્ઞ ન કરવો એમ નથી કહેતો. પણ ઇન્દ્રથી પણ કોઈ મોટી શક્તિ છે. જે આપણને જીવાડે છે. આપણું પાલનપોષણ કરે છે અને આપણું રક્ષણ કરે છે. અને એ શક્તિ ગોવર્ધન પર્વતરૂપે વિહરી રહી છે. આપણે સૌ ગોવર્ધનથી જીવિકા ચલાવનારા વનચારી ગોવાળો છીએ. ગાયો આપણી દેવતા છે. પર્વતો આપણા દેવતા છે આપણા જીવનનિર્વાહ માટે ગાયો જ આપણું સર્વસ્વ છે. પહાડો તો આપણો સાચો આશહારો છે. એ જ આપણું રક્ષણ કરે છે.’

કનૈયાની આવી ડાહી વાતો સાંભળી ગોવાળીયાઓએ એનું સમર્થન કર્યું ને કહ્યું કે હવે તો ગિરિ યજ્ઞ જ થશે. ગાયો અને ગોવાળોના હિત માટે આ યજ્ઞા જ ઉત્તમ છે. આસો વદ અમાસની રાત્રિએ બધા વ્રજવાસીઓ ગિરિરાજ તળેટીમાં પહોંચી ગયા. ગિરિરાજની પૂજા માટે ભાતભાતના પકવાનો, ખીર, શીરો, માલપૂડા, મગની દાળ તથા વ્રજની તમામ ગાયોનું દૂધ એકઠું કરી સૌ સાથે લાવ્યા હતા. ગોપાલકોએ પોતપોતાની સામગ્રી ગિરિરાજની ચારે બાજુ ખડકી દીધી. ગિરિરાજ અન્નથી ઢંકાઈ ગયો હતો. પ્રથમ વેદયજ્ઞા કર્યા પછી ભેગી કરેલી સામગ્રી ગિરિરાજજીને આરોગાવી. બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. ગાયોને લીલું ઘાસ નીર્યું. પછી બધી ગાયોને આગળ કરી સૌએ ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરી.

- text

આ બધું જોઈને ઇન્દ્ર કોપાયમાન થયા ને તેણે વરુણ તથા પ્રલય જન્માવનાર એવા ‘સાર્વત્રક’ મેઘને વ્રજનો વિનાશ કરવા મોકલ્યા. પ્રલયકારી મેઘે વ્રજભૂમિ ઉપર તરખાટ મચાવી દીધો. આ જોઈને વ્રજવાસીઓ ભગવાનને શરણે આવ્યા ને બોલ્યા કે હે કાના ! અમારું રક્ષણ કરો. અમને ઉગારો. ઇન્દ્રના વિનાશકારી કોપથી વ્રજવાસીઓને ઉગારવા ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ગિરિરાજ પર્વત ટચલી આંગળી વડે ધારણ કરી લીધો.

સૌ વ્રજવાસીઓ પોતપોતાનું પશુધન લઈને ગિરિરાજજી નીચે આવી ગયા. ભગવાને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી વડે અધ્ધર તોળી રાખ્યો ત્યારે ઇન્દ્રનું ગુમાન ગળી ગયું. તેણે મેઘને રોકી દીધો ને ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્પર્શ કરીને ક્ષમા માંગી હતી. આમ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટની શરૂઆત શ્રી કૃષ્ણ ભગવાને કરી હતી.

- text