સ્વચ્છતા એજ સેવા ! મોરબીમાં ઠેરઠેર ઉભરાતી ગટરની ગંદકી ઠેરની ઠેર જ રહી

- text


મોરબીમાં નગરપાલિકા તંત્ર એક જ દિવસ સફાઈ કરીને પાણીમાં બેસી ગયું હોય તેવી સ્થિતિ 

મોરબી : મોરબીમાં થોડા સમય અગાઉ સરકારના સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ તંત્રએ એક જ દિવસની સફાઈ કરીને પાણીમાં બેસી ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે શહેરમાં વર્ષો જૂની ઉભરાતી ગટરની ગંદકીની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. અનેક સ્થળોએ ઉભરાતી ગટરની સમસ્યાની રજુઆત કરી કરીને લોકો પણ થાકી ગયા પણ નીંભર તંત્રની આંખ ઉઘડતી નથી.

મોરબીમાં સ્વચ્છતા એજ સેવાના નામે નર્યું નાટક જ ભજવાયું હોય તેવી હાલત વચ્ચે એક દિવસ પૂરતી સફાઈ કરીને બહુ મોટી કામગીરી કરી હોવાની તંત્રે શેખી મારી હતી. હકીકતમાં મોરબી શહેર વર્ષો જૂની ભુર્ગભ ગટર ઉભરવાની ગંભીર પીડાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં ઘણા બધા વિસ્તારો ગટરની ઉભરાતી ગંદકીથી પ્રભાવિત છે. મોરબીના લાતી પ્લોટ તેમજ શનાળા મેઈન રોડ પર સરદાર બાગથી માર્કેટ યાર્ડ સુધી, નવા બસ સ્ટેન્ડ સામે રીતસર ચોમાસાની જેમ ગટરના ગંદા પાણીના સરોવર ભરાયા છે. આથી લોકોને ભારે હાલાકી પડે છે અને લોકોના આરોગ્ય પણ જોખમમાં મુકાય જાય છે. પણ તંત્રને એની પડી જ નથી.

બીજીતરફ લોકો ઉભરાતી ગટરોની સમસ્યા અંગે રજુઆત કરીને કંટાળી ગયા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. શહેરના છેવાડાની વિસ્તારોની તો ગંભીર હાલત છે. છાસવારે ગટરની કુંડીમાંથી ગંદા પાણી ઓવરફ્લો જ થયા કરે છે. ત્યારે આ વર્ષો જૂની ગંભીર સમસ્યાને સ્વચ્છતા એજ સેવામાં કેમ ન આવરી લેવાય ? તેવો લોકોએ વેધક સવાલ કર્યો છે અને જ્યારે શહેર ગંદકી મુક્ત બનશે ત્યારે સ્વચ્છતા એજ સેવાનો હેતુ સાર્થક થયો ગણાશે.

- text

- text