મોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 

- text


એલસીબી ટીમે લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં દરોડો પાડી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો : નાગાલેન્ડની 6 મહિલાઓ પાસે કરાવવામાં આવતો હતો દેહ વ્યાપાર 

મોરબી : મોરબીમાં ઠેક-ઠેકાણે ફૂટી નીકળેલા સ્પામાં બિન્દાસ્તપણે દેહ વ્યાપાર ચાલતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં દરોડો પાડી દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અહીં સ્પા સંચાલક દ્વારા નાગાલેન્ડની મહિલાઓ પાસે મસાજ સાથે દેહ વ્યાપાર પણ કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે પોલીસે એક શખ્સને અટકાયતમાં લઈ સ્પા સંચાલક એવા બે શખ્સ હાજર નહીં મળી આવતા બન્નેને ફરાર દર્શાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં મસાજના નામે ગ્રાહકોને શરીર સુખની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે ડમી ગ્રાહક સાથે દરોડો પાડતા સ્પા સંચાલક દ્વારા મસાજના રૂપિયા 1000 તેમજ શરીર સુખ માનવ માટે અલગથી રૂપિયા 500 લઈ ડમી ગ્રાહકને રૂમમાં મોકલતા પોલીસે દરોડો પાડી મહિલાને કઢંગી હાલતમાં ઝડપી લઈ સ્પા ના ઓઠા હેઠળ ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો ભાંડાફોડ કર્યો હતો.

- text

વધુમાં સ્પા ના નામે ચાલતી દેહવ્યાપારની આ ગેરકાનૂની પ્રવૃત્તિ મામલે પોલીસે ઓરલા સ્પાના કાઉન્ટર ઉપરથી સંચાલક જાનીસાર ફકીરભાઇ મીર નામના શખ્સને 4500 રૂપિયા રોકડા, રૂપિયા 5000નો મોબાઈલ ફોન તેમજ કોન્ડમ સહિતની સામગ્રી સાથે ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી), 6(1)(બી), મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવાની સાથે સ્પા માલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરી, તા.માળીયા અને સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધી રહે. મોરબી વાળાને ફરાર દર્શાવી તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્પા સંચાલકો દ્વારા સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની સાથે શરીર સુખ મળે તેવો ગોરખધંધો ચલાવવા માટે નાગાલેન્ડની છ મહિલાઓને કામે રાખી હતી અને ગ્રાહક પાસેથી મળતી રકમમાંથી યુવતીઓને અડધી રકમ આપી બાકીની રકમ સ્પા સંચાલકો રાખતા હોવાનું અને સ્પા સંકુલમાં જ આ યુવતીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

- text