કડીયાણા નજીક બાઇક સ્લીપ થતા રણછોડગઢના આશાસ્પદ યુવાનનું મોત

- text


પદયાત્રીકો માટે સેવા કેમ્પની જગ્યા જોઇ ઘરે પરત જતી વેળાએ સર્જાઈ દુર્ઘટના : છ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી 

હળવદ : આજે બપોરના સમયે કડીયાણા નજીકથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ નજીક રણછોડગઢના આશાસ્પદ 32 વર્ષીય યુવાનનું બાઈક સ્લીપ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા રતાભાઇ ગોરધનભાઈ દલસાણીયા ઉ. 32 દર વર્ષે શ્રાદ્ધ બેસતાની સાથે જ માતાના મઢે પગપાળા જતા પદયાત્રીઓ માટે કડીયાણા અને રણછોડગઢ વચ્ચેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ નજીક સેવા કેમ્પનું આયોજન કરવા માટે જગ્યા જોવા ગયા હતા.

જેથી રતાભાઇ આજે સેવા કેમ્પ માટેની જગ્યા જોઈ પરત પોતાના ઘરે રણછોડગઢ જઈ રહ્યા હતા ત્યારે રોડ પર જ બાઈક સ્લીપ થઈ જતા રતાભાઇને માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી જેથી તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે રણછોડગઢ ગામના મહેશભાઈ કોપેણીયા,સોમાભાઈ ઠાકોર સહિતનાઓ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન રતાભાઇને સંતાનમાં પાંચ દીકરી અને એક દીકરો હોય જેથી આ સંતાનોને નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે.તો બીજી તરફ રતાભાઇના પિતા ગોરધનભાઈનું પણ એકાદ મહિના પહેલા જ અવસાન થયું હોય જેથી એક જ મહિનામાં ઘરના બે મોભીઓના અવસાનને પગલે પરીવારમાં પણ કાળો કલ્પાંત સર્જાયો છે.

- text