ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે કાલે શનિવારથી મોરારીબાપુની રામકથા શરૂ

- text


CM હાજરી આપે તેવી શકયતા : સાંસદ મોહન કુંડારિયાના નિવાસસ્થાનથી રામકથાના સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે : રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોકોએ આજથી જ કથાનું શ્રવણ કરવા કથા સ્થળે મુકામ કર્યા

મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. ઝૂલતાપૂલની દુર્ઘટના વખતે પ્રખર રામાયણી સંત મોરારીબાપુએ મોરબીમાં આવી તમામ દિવગંતોના પરિવારજનોને સાંત્વના આપી આ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે સપ્ટેમ્બર માસમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી. ત્યારે સાંસદ મોહન કુંડારિયા સહિત 20 યજમાનો દ્વારા આવતીકાલ તા.30 સપ્ટેમ્બરથી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીરધામ આશ્રમ પાસે ભવ્ય શામીયાણાંમાં મોરારીબાપુની રામકથા શરૂ થનાર છે. આ રમાકથાની તડામાર તૈયારીઓનો આજે આખરી ઓપ આપવામાં આવ્યો છે.

મોરારીબાપુની રામકથા પહેલા આવતીકાલે સાંસદ મોહન કુંડારિયાના નિવાસસ્થાનથી કારના વિશાળ કાફલા, ઘોડા તેમજ બગી સાથે કરુણા કથા એટલે રામકથાના સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા યોજાશે. ઝૂલતાપૂલ દુર્ઘટના એકદમ હૃદય દ્રાવક અને કરુણામયી હોવાથી આ મોરારીબાપુની કથાને કરુણા કથા નામ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે મોહનભાઈના નિવાસસ્થાનથી નવા બસ સ્ટેન્ડ સુધી પગપાળા પોથીયાત્રા નીકળ્યા બાદ 21 ઘોડા, 300 જેટલી કારોનો વિશાળ કાફલો તેમજ ધૂન મંડળ શણગારેલી બગીઓ સાથે કથા સ્થળ કબીરધામ આશ્રમે પહોંચશે, કથા સ્થળે પહોંચ્યા બાદ ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારોના હસ્તે પોથીયાત્રાનું પૂજન અને આરતી કરવામાં આવશે.

કરુણા કથામાં ગુજરાતભરના અને રાજ્ય બહારના સાધુ સંતો મહંતો હાજર રહેશે. તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપે તેવી શકયતા છે. 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા માટે 1 લાખ ચોરસ મીટરનો વોટરપ્રૂફ જર્મન ડોમ તેમજ 50 હજારથી વધુ લોકો પ્રસાદ મેળવી શકે તેવા પ્રસાદ માટેના ત્રણ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યો છે. સવારે મોરારીબાપુની કથા બાદ સાંજે દરરોજ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. 10 હજાર જેટલા સ્વંય સેવકો સેવા માટે ખડેપગે રહેશે. આ કથા નવ દિવસ સુધી ચાલશે અને કથાના આયોજન માટે 21 સમિતિઓ બનાવવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્ર લોકો આજથી જ કથાનું શ્રવણ કરવા કથા સ્થળે પહોંચી ગયા છે. આ લોકો રામનામના જાપ કરીને રામમય બની ગયા છે. આ કથામાં રક્તદાન, સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

- text

- text