ભારતીય ડોક્ટરો હવે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી શકશે

- text


ભારતની મેડિકલ કોલેજોને વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનની માન્યતા મળી 

મોરબી : ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરવાનો માર્ગ ખુલી જવાનો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનની માન્યતા મળી ગઈ હોવાથી ભારતીય તબીબોને મોટી રાહત મળશે. આ માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ એવા દેશોમાં સહેલાઈથી પ્રેક્ટિસ કરી શકશે. આ એક ગ્લોબલ સ્તરે માન્યતાપ્રાપ્ત સ્ટાન્ડર્ડ છે. તેના કારણે વિદેશી મેડિકલ સ્ટુડન્ટ પણ ભારતમાં અભ્યાસ કરવા માટે આવી શકશે.

જે દેશોમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનની માન્યતા જરૂરી હોય છે ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ અને મેડિસિનની પ્રેક્ટિસ માટે પણ હવે દરવાજા ખુલી ગયા છે. આવા દેશોમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડનો સમાવેશ થાય છે. તેના કારણે ભારતીય મેડિકલ સ્ટુડન્ટને ઘણો ફાયદો થશે તેમ આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું.

એક્રેડિટેશન મળવાના કારણે ભારતની હાલની 706 મેડિકલ કોલેજોનો દરજ્જો પણ વધી જશે. આ ઉપરાંત આગામી એક દાયકામાં ભારતમાં જે મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે તેને પણ ઓટોમેટિક વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનનું એક્રેડિટેશન મળશે. ભારતીય મેડિકલ કોલેજો પહેલેથી ગ્લોબલ સ્ટાન્ડર્ડ ધરાવતી હતી, પરંતુ વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનનું એક્રેડિટેશન પ્રાપ્ત ન હતું. હવે વિદેશી સ્ટુડન્ટ માટે પણ ભારતીય કોલેજો આકર્ષક બની જશે.

- text

આ માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ કોલેજોમાં એજ્યુકેશનના ધોરણમાં સુધારો થશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનની માન્યતા માટે દરેક મેડિકલ કોલેજ દીઠ 60,000 ડોલરની ફી ભરવી પડે છે. એટલે કે લગભગ 49 લાખ રૂપિયા ભરવા પડે છે. તેમાં ટીમ દ્વારા સાઈટની વિઝિટ, ટ્રાવેલ અને રહેવા-જમવાનો ખર્ચ આવી જાય છે. ભારતમાં હાલમાં 706 મેડિકલ કોલેજો છે તેથી વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનના એક્રેડિટેશન માટે 352 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. એનએમસી હેઠળ આવતી તમામ મેડિકલ કોલેજોને આ માન્યતા લાગુ થાય છે.

ભારતીય મેડિકલ એજ્યુકેશનને ગ્લોબલ બનાવવાની દિશામાં આ પગલાંથી ખાસ મદદ મળશે તથા ભારતીય ડોક્ટરો માટે વિદેશમાં તકમાં વધારો થશે. આ ઉપરાંત ભારતમાં હેલ્થકેર એજ્યુકેશનની ક્વોલિટી પણ સુધરશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશનની માન્યતા મળવાના કારણે ભારતીય મેડિકલ સ્કૂલ અને હેલ્થકેર પ્રોફેશનલોની વૈશ્વિક માંગમાં વધારો થશે. તેનાથી સંસ્થાઓ વચ્ચે એકેડેમિક કોલેબોરેશન કરી શકાશે, પ્રોફેશનલો એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે અને મેડિકલ એજ્યુકેશનમાં વધારે સુધારા થઈ શકશે. તેનાથી એજ્યુકેટર તથા સંસ્થા બંનેની ક્વોલિટી સુધરશે.

- text