મોરબીમાં મજબૂત જનસંપર્ક જાળવી રાખતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

- text


એક દિવસમાં વિવિધ 7 કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો 

મોરબી : ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પણ મજબૂત લોકસંપર્ક જાળવી રાખ્યો છે. તેઓએ એક દિવસમાં મોરબીમાં વિવિધ 7 કાર્યક્રમોમાં હાજરી આપીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

બ્રિજેશભાઈ મેરજા મોરબી અને ગાંધીનગર વચ્ચે સતત આવન જાવન કરી મોરબીમાં યોજાતા સંગઠનના કાર્યક્રમો, ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં અચુક હાજરી આપે છે. એક દિવસમાં સાત જેટલા કાર્યક્રમોમાં હાજર રહીને તેમણે કાર્યકરો અને લોકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. બ્રિજેશ મેરજાએ મોરબીના ગઢવી સમાજના અગ્રણી પ્રફુલદાન વિદેશ પ્રવાસે જવાના હોય એમના ઘરે પહોંચી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લા ભાજપના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની ઉજવણીના સેવા કાર્યમાં ઊપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. તેમજ મોરબીના કબીરધામ આશ્રમ ખાતે આગામી 30 સપ્ટેમ્બરથી શરૂ થનાર મોરારીબાપુની રામકથા અન્વયે કબીરધામ આશ્રમના મહંત શિવરામ સાહેબ પાસેથી નિમંત્રણ સ્વીકાર્યું હતું અને કથાના આયોજન બાબતે ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ મોરબી ખાતે આનંદ પાર્ટી પ્લોટમાં વાંસજાડીયા પરિવારના સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી અને ત્યાંથી મોરબી તાલુકાના પિતૃગામ થોરાળાના મેરજા પરિવારમાં રાંદલ ઉત્સવમાં ઉપસ્થિત રહી સગા વ્હાલા સ્નેહીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ મોરબી ખાતે એક ખાનગી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સાથે હાજર રહી નવા સાહસને બિરદાવ્યું હતું. પ્રતિવર્ષ મોરબીથી સુરેશભાઈ નાયકપરાના આયોજન હેઠળ અંબાજીનો પદયાત્રા સંઘ નીકળતો હોય છે આ વર્ષે આવી 25મી પદયાત્રાના પ્રસ્થાન વખતે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. આમ દિવસ દરમ્યાન સાત જેટલા વિવિધ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓ, શુભચિંતકોનો ઉત્સાહ વધાર્યો હતો.

- text

- text