મોરબીમાં તસ્કરો ભૂગર્ભ ગટરના ઢાંકણ ચોરી ગયા, તસ્કરો સીસીટીવીમાં કેદ

ત્રાજપર ચોકડી વાળા મુખ્ય રોડ ઉપર વહેલી સવારે રીક્ષા લઈને આવેલ તસ્કર ત્રિપુટીનું કારસ્તાન

 

મોરબી : મોરબીમાં લોખંડના ભૂગર્ભ ગટરના ઢાંકણ ચોરતી તસ્કર ગેંગ સક્રિય બની છે અને અવાર નવાર આવા લોખંડના ઢાંકણ ચોરી કરી જાય છે ત્યારે આજે વહેલી સવારે ત્રાજપર રોડ ઉપર રીક્ષા સાથે આવેલી તસ્કર ત્રિપુટી ગટરનું લોખંડનું ઢાંકણ ચોરી જતા વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં વાહન ચોર તસ્કરો બેફામ બન્યા છે ત્યારે આજે વહેલી સવારે ગટરના ઢાંકણ ચોરતી તસ્કર ત્રિપુટીએ ત્રાજપર મેઈન રોડ ઉપરથી લોખંડનું વજનદાર ભૂગર્ભ ગટરનું ઢાંકણ એટલે કે જાળીની ચોરીને અંજામ આપ્યો હતો.

વધુમાં માલવાહક રીક્ષા સાથે આવેલ આ તસ્કર ત્રિપુટીએ વહેલી સવારે 4.30 કલાકે ચોરીને ખુલ્લે આમ અંજામ આપી જતી રહેતા આ ખુલ્લી ગટર વાહન ચાલકો માટે જોખમી બની હતી. જો કે જાગૃત નાગરિકોએ અહીં ટાયર ગોઠવી દેતા લોકો ઉપરથી હાલ તો જોખમ ટળ્યું છે. ચોરીની આ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ છે.