મોરબીના મહિલા રેન્જ ફોરેસ્ટ ઉપર નાગડાવાસ નજીક હિચકારો હુમલો 

ગુજરાત ગેસ કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરી કરવામાં વૃક્ષો કાપવામાં આવતા હોવાની ફરિયાદ કરી આરએફઓને બોલાવાયા હતા, માથાભારે ઈસમે મોબાઈલ પણ પડાવી લીધો 

મોરબી : મોરબીના નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરી કરવામાં વૃક્ષો કાપવામાં આવતા હોવાની ફરિયાદ કરી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને બનાવ સ્થળે બોલાવી એક માથાભારે ઈસમે મહિલા અધિકારી ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે, હુમલાની આ ઘટના બાદ મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરી કરવામાં વૃક્ષો કાપવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આજે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શિલુ બનાવ સ્થળે ગયા હતા જ્યાં ગુજરાત ગેસ કંપનીની કામગીરીમાં કોઈ વૃક્ષો કાપવામાં આવતા ન હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ અહીં એક માથાભારે ઈસમ અન્ય વ્યક્તિ સાથે માથાકૂટ કરતો હોય મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શિલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનથી વિડીયો શૂટિંગ કરતા આ શખ્સ વિફર્યો હતો.

વધુમાં આ શખ્સે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શિલુને વિડીયો શૂટિંગ નહીં કરવા જણાવી ઝપાઝપી ઉપર ઉતરી આવ્યો હતો અને બાદમાં મહિલા અધિકારી ઉપર પથ્થર વડે હુમલો થતા હેલ્પ… હેલ્પની બૂમો વચ્ચે મહિલા ઓફિસર નિઃસહાય બની ગયા હતા. જો કે હાલમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેનને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ ચાલુ હોવાનું જાણવા મળે છે.