નશાકારક શિરપનું દુષણ મોરબી જિલ્લામાં પણ ઘુસ્યું, SOGએ 2300 બોટલ પકડી

આશરે 3.5 લાખનો મુદ્દામાલ કબ્જે : તપાસનો ધમધમાટ

મોરબી : આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશાકારક પીણાનું દુષણ મોરબી જિલ્લામાં પણ ઘુસ્યું છે. જો કે પોલીસ પણ આ મામલે હરકતમાં હોય એસઓજીની ટીમે ચરડવામાંથી  2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશાકારક પીણાનું ગેરકાયદે થતું વેચાણ વધ્યું છે. તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. તેવામાં મોરબી જિલ્લામાં પણ આ શિરપ કોઈના શરીરમાં જઈને નુકસાન કરે તે પહેલાં જ એસઓજી ટીમે ચરડવા નજીક દરોડો પાડી આશરે રૂ.3.5 લાખની કિંમતની 2300 બોટલ શિરપ પકડી પાડી છે. હાલ એસઓજીની ટીમે આ જથ્થો ક્યાંથી આવ્યો ? કેટલા સમયથી વેચાતો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક શિરપના નામે વેચાતું આ નશાકારક પીણું જેને ઘણા લોકો દારૂ અને બિયરની જેમ નશા માટે પીવે છે. પણ આ પીણામાં અનેક ઝેરી તત્વો હોય છે જે શરીરને ભારે નુકસાન કરે છે તેવું નિષ્ણાંતોએ જાહેર કર્યું છે.