ટ્રેકિંગ સાથે ભક્તિ શ્રાવણ માસમાં જટાશંકરની યાત્રા યાદગાર બનશે

- text


મોરબીના ઓર્થોપેડિક સર્જન નીતિન બુદ્ધદેવે સુંદર યાદોનું વર્ણન કર્યું

મોરબી : આજ ની ભાગ દોડ વાળી, સ્ટ્રેસ વાળી જિંદગી માં રોજ બરોજની આપાધાપીથી દુર થવું એ લગભગ તમામ લોકો નું સ્વપ્નું હોય છે. આજના ડિજિટલ યુગ ની બેઠાડુ અને મોબાઈલ માં મસ્ત રહેવા વાળી જનરેશન તો મનોરંજન મેળવવા હમેશા તડપતી જ હોય છે ત્યારે મોરબીના ઓર્થોપેડિક સર્જન ડો.નીતિન બુદ્ધદેવે મોરબીના લોકો માટે જૂનાગઢના જટાશંકર મહાદેવના દર્શન સાથે ટ્રેકિંગ સાઈટનું વિસ્તૃત વર્ણન પોતાના બ્લોગ ઉપર કર્યું છે.

ડો.બુદ્ધદેવે જણાવે છે કે, મનોરંજન કે આનંદ મેળવવાની પણ મુખ્ય બે રીતો છે. એક છે જેમાં તમે પેસીવ મનોરંજન મેળવો છો. આ રીતે મળતા મનોરંજન માં બીજા લોકો તેમની કળા થી કે તેમની આવડત થી તમારી સંવેદના ઓને ને ઝંકૃત કરી તમને મનોરંજન પૂરું પાડે છે. ક્રિકેટ ની મેચ જોવી, ટીવી કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ની કન્ટેન્ટ જોવી, મૂવી જોવું, મનપસંદ ગીતો સાંભળવા, હોટેલ માં સ્વાદિષ્ટ ખાવા નું ખાવું વગરે ગણી શકાય. આ રીતે મળતા આનંદ માં સામાન્ય રીતે તમારી શારીરિક પ્રવૃતી થતી નથી પરંતુ તમારું મન સતત સક્રિય રહે છે. આનંદ મેળવવાની બીજી રીત એ છે કે જેમાં તમે ખુદ સક્રિય રહી મનોરંજન મેળવો છો. જેમકે ક્રિકેટ કે બીજી રમતગમત માં ભાગ લઈ ને, ડાન્સ કરીને, કરાઓકે માં ગાયન ગાઈ ને, યોગા કે કસરત કરીને, પ્રવાસ કે ટુર માં ફરવા જઈને વગેરે ગણી શકાય. આ બીજા પ્રકાર માં તમે માનસિક અને શારીરિક બન્ને રીતે સક્રિય રહી છો. પહેલી રીત માં એક સમય પછી તમે થકી જાવ છો. તમારું એનર્જી લેવલ ઘટી જાય છે અને તમે સુસ્ત બનો છો. તમને ઊંઘ કે આરામ ની જરૂર પડે છે. જ્યારે બીજી રીત માં તમે શારીરિક અને માનસિક બંને રીતે એક્ટિવ હોવાથી થાક્યાં હોવા છતાં તમારી એનર્જી નું લેવલ ઊંચું જાય છે, તમે સ્ફૂર્તિ અનુભવો છો અને તમને આરામ કે ઊંઘ ની જરુર પડતી નથી.

આજની બેઠાડુ જિંદગી માં આ બીજી રીતે મળતા આનંદ ની બહુજ જરૂર છે.આજે હું આપને એક આવો જ નિજાનંદ આપતી, એનર્જી નું લેવલ અપ કરી દે તેવી, “મોજે દરિયા” નો અનુભવ કરાવતી પ્રવૃત્તિ ની વાત કરવા જઈ રહ્યો છું.એક ગ્રુપ બનાવી, કોઈ સુંદર રળિયામણા પ્રદેશ માં, જંગલ માં, પર્વત ઉપર અથવા દરિયા કાંઠે પ્રકૃતિ વચ્ચે નિશ્ચિત જગ્યા ઉપર, પગે ચાલતા ચાલતા એ એરિયા ને explore કે ખોજ કરવાની પદ્ધતિ ને અગ્રેજી માં ટ્રેકિંગ કહે છે, અને એ માટેના પર્ટીક્યુલર રૂટ ને ટ્રેક કહે છે.

આપણા ગુજરાત માં પણ આવા ઘણા ખૂબસુરત સુંદર ટ્રેક આવેલા છે. એમાંય ખાસ કરીને ગીર અને ગિરનાર ના પર્વત ઉપર તો ઘણા અદભુત ટ્રેક આવેલા છે. આપણે આટલી નજીક આવેલા આટલા સરસ ટ્રેક ને માણવાને બદલે બીજા રાજ્યો માં દૂર સૂદુર ના એરિયા માં ટ્રેકિંગ કરવા પૈસા, શક્તિ અને સમય બગાડતા હોઈએ છીએ. ગુજરાતીઓએ આવા ટ્રેકોની explore કરવાની અને નવા નવા ટ્રેક શોધવાની ખૂબ જરૂર છે. ગુજરાતી માં કહેવત છે ને છોકરું કાંખ માં અને બાઈ છોકરું છોકરું કરે. આ કહેવત ટ્રેકિંગ ની બાબત માં તો સો ટકા સાચી પડે છે.

ચોમાસામાં જૂન જુલાઈ માં સારો વરસાદ પડે એટલે આપણો ગિરનાર ખરેખર ખુબ સુરત અને યુવાન બની જાય છે. સોળે શણગાર સજેલી નવોઢા, પ્રિયતમ આવવાનો હોય ત્યારે જે રીતે નિખરી ઉઠે છે, એવી જ રીતે ગિરનાર ની ગીરી કંદરાઓ શ્રાવણ મહિના માં અમૃત રૂપી વર્ષા ના જળભિશેક પછી નવપલ્લવિત થઇ નિખરી ઉઠે છે, એનું રૂપ ખીલી ઊઠે છે. પર્વત ઉપર ના કાળમીંઢ પત્થરો ની જગ્યા હવે મંજરી થી લથપથ, મોટા મોટા પાંદડાઓ થી લચી પડતા સાગ ના વૃક્ષો લઈ લે છે. શિયાળા માં કાળો કોબ્રા જેમ પોતાની કાંચળી ઉતારી નવી ચામડી મેળવે છે એજ રીતે ચોમાસા માં મોટી મોટી કાળી શીલા ઓ પોતાનો કાળો રંગ ત્યજી વૃક્ષો અને વેલાઓ ની નવી નકોર સુંદર ભાત વાળી લીલી ચૂંદડી ઓઢી લે છે. વૃક્ષો, વાદળાંઓ અને ઊંચી ઊંચી પહાડીઓ દ્વારા એટલું સુંદર અને નયનરમ્ય દ્રશ્ય રચાય છે કે જે જોવા આપણે આખું વર્ષ તડપતા જ હોય છીએ.

જટાશંકર એ ભગવાન ભોળાનાથ નું બહુ જ પૌરાણિક નાનું મંદિર છે. ગિરનાર ઉપર જવા માટે ના રોપ વે ની ઓફીસ ની બાજુમાં જ જટાશંકર જવાનો નાનો રસ્તો આવે છે. થોડું ચઢાણ ચડ્યા પછી સીડી ચાલુ થાય છે. લગભગ 500-700 પગથિયાં ચડીએ એટલે જટાશંકર તરફ જવાનો ટ્રેક ચાલુ થાય છે. રસ્તો નાનો અને પથરાળ છે, વચ્ચે વચ્ચે પાણી ના ઝરણાં આવે છે. ક્યારેક નાની કાળી શિલાઓ ને પણ વટાવી પડે છે. શ્રાવણ મહિનામાં પર્વત ઉપર તો વરસાદ ના અમીછાંટણા ક્યારે ચાલુ થઈ જાય એ નક્કી જ નથી હોતું. અમુક જગ્યાએ એ ખાસ સાચવી ને ચાલવું પડે છે. મોટાભાગે બધા લોકો ટ્રેક કરી શકે તેવું છે પરંતુ બહુ મોટી ઉમર ના લોકો અને ઘૂંટણ ઘસાઈ ગયા હોય તેમને તકલીફ પડી શકે છે. સતત વરસાદ ને લીધે અમુક પત્થર ઉપર ચીકણી લીલ બાજી જવાથી લપસી ના પડાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. રસ્તા માં લીંબુ પાણી, સોડા, કાવો, મકાઈ નો ભૂટા અને મેગી વેચતા નાના નાના સ્ટોલ આવે છે. કેડી ની બંને બાજુ એ આજુબાજુ ના વૃક્ષો ઉપર કાળા મોઢા વાળા વાંદરા ઓ ના પરિવાર જોવા મળે છે. લોકો વાંદરા ને કેળા, શીંગ વગેરે ખવડાવતા હોય છે. સરસ ખાવાનું મફત માં મળતું હોવાથી, છંછેડી એ નહિ તો આ વાંદરા ઓ શાંત રહે છે અને સામાન્ય રીતે ટ્રેકિંગ કરતા લોકો ને હેરાન કરતા નથી.

- text

લગભગ એકાદ કલાક માં મંદિર થી નજીકના મોટા ઝરણાં પાસે પહોંચી જવાય છે. અહી ઘણા લોકો રોકાઈ જાય છે અને પાણી માં નહાવાની મજા માણે છે. હવે ચઢાણ થોડું સીધું છે. દૂરથી જ મંદિર દેખાય છે. મંદિર નાનું છે, એક મોટી શીલા નીચે બનેલ ગુફા જેવા ભાગ માં શિવલિંગ છે, આજુબાજુ નાનું ચણતર કરેલ ઓટલો છે. મંદિર ના આગળના ભાગમાં ખુલ્લું મેદાન છે જેમાં બપોરના સમયે સ્વયંસેવકો દ્વારા ગરમા ગરમ પૂરી,શાક શિરા નો પ્રસાદ આપવામાં આવે છે. બાજુ માં પાઇપ ની વ્યવસ્થા ગોઠવી પીવાના પાણી ની અને વાસણ ધોવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.

મદિર થી થોડે ઉપર ચડી એ એટલે ખલખલ વહેતા મોટા ઝરણાં ના દર્શન થાય છે. અહી પાણી ના વહેતા વ્હેણ માં પગ ઝબોળી અંતાક્ષરી રમવાની કે ઊંચી શીલા પર થી પડતા નાના નાના ધોધ મા નહાવાની બહું મજા પડે છે. નદી ના ઠંડા પાણી માં નાહિયે એટલે બધો જ થાક તુરંત દૂર થઈ જાય છે. એક અલોકિક સ્ફૂર્તિ નો અનુભવ થાય છે. વહેતા પાણી નો અવાજ, પાણી ની કુદરતી ઠંડક, માથા અને શરીર ઉપર પડતા પાણી નું હળવું દબાણ તમને તુરંત એક અલગ દુનિયા માં લઇ જાય છે. અહી થી પાછું જવાનું મન નથી થતું. ઈચ્છા તો એવી જ થાય કે પાણી માં નાહ્યા જ કરીએ, એકાદ કલાક તો ક્યાં પસાર થઇ જાય, ખબર જ ના પડે. મન થાય તો આજુ બાજુ માં કાળમીંઢ પથર ની મોટી શીલા ઉપર બેસી ધ્યાન પણ કરી શકાય છે. વાતાવરણ એટલું શાંત અને ચોક્ખું છે કે ધ્યાન તુંરત લાગી જાય છે. પાછા ઉતરી એ ત્યારે ચોક્કસ આશ્ચર્ય થશે, કે આટલું બધું ચાલ્યા હતા !!! વળતા રસ્તા માં ઘણા લોકો નદી કાંઠે કે મોટા વૃક્ષ નીચે બેસી ને સાથે લાવેલા વન ભોજન નો આસ્વાદ પણ માણતા હોય છે. પાછું ઝડપથી ઉતરી જવાય છે. ઉતરતી વખતે બધા લોકો હસી મજાક કરતા હોય છે. કોઈના મોઢા ઉપર થાક દેખાતો નથી.

લગભગ ત્રણ થી ચાર કલાક માં કરી શકાય, પરિવાર ના બધાજ સભ્યો ને મજા પડે તેવો, સાવ સહેલો પણ નહિ અને અતિશય થકવી નાખે તેવો પણ નહિ, મન ને તરબતર અને તન ને હળવું ફૂલ કરી નાખે તેવો, આ સુદર ટ્રેક તમારા must do ના લિસ્ટ માં લખી રાખો અને શક્ય હોય તો આ ચોમાસા માં જરૂર થી કરજો જ.

ટ્રેકિંગ ના ફાયદાઓ
1.ફેમિલી બોન્ડિંગ સ્ટ્રોંગ થશે, પરિવાર ના સભ્યો જ મિત્ર બની જશે
2.પ્રકૃતિ ની ગોદ માં રહેવાથી નેગેટિવ ઇમોશન્સ ઘટશે અને પોઝિટિવ ઇમોશન્સ વધશે.
3.લોહી માં પુષ્કળ પ્રમાણ માં હેપ્પી હોર્મોન્સ વધતા હોવાથી નિજાનંદ, એક્સ્ટસી કે ફીલ ગુડ નો અનુભવ થશે.
4.મોબાઇલ ની દુનિયા થી છૂટા પડવાથી એનર્જી નો નાહક નો વેડફાટ બંધ થશે
5. કુદરત ના અપાર વૈભવ ના દર્શન થશે. પર્વત, પાણી, વૃક્ષો અને વાદળાં દ્વારા રચાતા ના આ વૈભવ ને આંખો દ્વારા હૈયા માં ઉતારી લેશો તો બાકી બચેલી જીંદગી માં મિત્રો કે પરિવાર જનો સાથે આ સોનેરી યાદો ને વાગોળવાની ખુબ મજા આવશે.
ડો. નીતિન બુદ્ધદેવ
ઓર્થોપેડીક સર્જન

- text