આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને નાગપંચમીનો શુભ સંયોગ 

- text


માતા પાર્વતીએ કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કરીને તેમની સાથે લગ્ન કરેલા 

શ્રાવણના સોમવારે શિવપૂજા અને વ્રત કરવાનું છે વિશેષ મહત્વ

મોરબી : શ્રાવણ માસ દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો મહિનો છે. ગુજરાતી પંચાંગ મુજબ અધિક માસ પૂર્ણ થતા પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. 21 ઓગસ્ટના આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. તેમજ શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે નાગપંચમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણનો પ્રથમ સોમવાર એને નાગપંચમી એકસાથે હોવાથી ભોળાનાથની પૂજાનું મહત્વ વધી જાય છે. શ્રાવણમાં સોમવારના વ્રતને શ્રાવણ સોમવારી વ્રત કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શ્રાવણ માસમાં તા. 21 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 04 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ સોમવાર આવનાર છે.

શિવપૂજાનો મહિમા 

શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને શ્રાવણમાં આવતા તમામ સોમવારના વ્રત કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ કે એકટાણાં કરવા, શિવાલય જઇને શિવલિંગને બીલીપત્ર સાથે જળાભિષેક કરવાનું શુભ માનવામાં આવે છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન જપ, તપ અને ધ્યાન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણના સોમવારે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાથી દામ્પત્ય જીવન સુખી રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

- text

સોમવાર ભગવાન ભોળાનાથ એવા શંકરનો વાર ગણાય છે. તેથી, ભગવાન શંકરને ખુશ કરવા સોમવારે પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ ઉપવાસ કરે છે. સમગ્ર ભારતમાં શ્રાવણ મહિનામાં શિવભક્તોના ઘરોમાં અને શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ સાંભળવા મળે છે. શ્રાવણના દરેક સોમવારે મંદિરોમાં મહાદેવની પૂજા વિશેષ પદ્ધતિથી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવપૂજા અને વ્રત ખૂબ ફળદાયક માનવામાં આવે છે.

શિવ અને ચંદ્ર 

સોમવારએ ચંદ્ર ગ્રહનો દિવસ છે અને ચંદ્રના નિયંત્રક મહાદેવ શિવ છે. તેથી, આ દિવસે પૂજા કરવાથી માત્ર ચંદ્રની જ નહીં પરંતુ શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે સોમવાર અને શિવ વચ્ચેના સંબંધને કારણે જ માતા પાર્વતીએ સોળ સોમવારનું વ્રત રાખ્યું હતું.

વ્રતકથા

દેવી સતીએ શંકરને દરેક જન્મમાં પોતાના પતિ રૂપે મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક કથા મુજબ દેવી સતીએ તેના પિતા દક્ષને ઘરે યોગશક્તિ વડે શરીરનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દેવી સતીએ તેમના તે પછીના જન્મમાં પાર્વતીના નામે રાજા હિમાચલ અને રાણી મૈનાની ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. પાર્વતીએ શ્રાવણ મહિનામાં કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. તેથી, શ્રાવણ મહિનામાં યુવતીઓ સારો વર મેળવવા માટે શ્રાવણના સોમવાર કરે છે.

- text