મોરબીના શોભેશ્વર મંદિરને જોડતા માર્ગનું રિપેરિંગ કરી સ્ટ્રીટ લાઈટ નાખવા માંગ

- text


ખરાબ રોડને કારણે હાલ શ્રાવણ માસમા દર્શને આવતા શ્રદ્ધાળુઓને હાલાકી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર મંદિરને જોડતા ખરાબ રોડથી હાલ શ્રાવણ માસમા દર્શને આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી પડી રહી છે. આથી શોભેશ્વર મંદિરમાં આ શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાતો હોય મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વહેલી તકે શોભેશ્વર મંદિરને જોડતા રોડનું રિપેરિંગ કરવા તથા સ્ટ્રીટ લાઈટ નાખવાની શોભેશ્વર મંદિર દ્વારા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર મંદિર દ્વારા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ છે કે, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે મોરબીના સાંમાકાંઠે નેશનલ હાઇવે ટપીને કુબેર સિનેમા પાછળ આવેલા શોભેશ્વર મંદિરે મહાદવદાદાના દર્શને આવે છે તથા સંપૂર્ણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. આ માસ દરમિયાન શોભેશ્વર મહાદેવદાદાના સાનિધ્યમાંવર્ષોથી દર સોમવારે મેળાનું આયોજન થાય છે. આ મેળામાં જનમેદની ઉમટી પડે છે પણ આ ભક્તોની પીડાએ છે કે, કુબેર સિનેમાથી શોભેશ્વરદાદાના મંદિર સુધીનો રોડ એકદમ જર્જરિત થઈ ગયો છે.

વધુમાં રોડ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી ગયા હોય ચાલીને દર્શને આવતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ લોકોને અવરજવરમાં ભારે તકલીફોનો સામની કરવી પડતી હોય છે. શીભેશ્વર મંદિરમાં નગર પાલિકા દ્વારા પેવર બ્લોકનું કામ કરવામાં આવેલ તે પણ પૂર્ણ થયેલ નથી. ઉપરાંત કુબેર સિનેમાથી શોભેશ્વર દાદાના મંદિર સુધીના રોડ પર સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા પણ નથી જેથી એકલ-દોકલ મહિલાઓ તથા ભક્તોને સાંજના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજ રોડ પર કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ, વિકાસ વિદ્યાલય અને આંબેડકર ભવન પણ આવેલા હોય વહેલાસર રોડનું યોગ્ય રીપેરીંગ કરવા તેમજ સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ કરવામાં આવી છે.

- text

- text