મોરબીની માધાપરવાડી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


વિશ્વ સિંહ દિવસ, મેરી મિટ્ટી મેરા દેશ તેમજ બાળમેળોના કાર્યક્રમની ઉજવણી

મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં આજે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી, મેરી મિટ્ટી મેરા દેશ તેમજ બાળમેળોના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ હોય, ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહને લઈ આજ રોજ માધાપરવાડી શાળાના બાળકોએ સિંહના મહોરા પહેરી સિંહની સ્ટેન્ડી સાથે સમૂહ તસ્વીર લીધી હતી અને ઓનલાઈન કાર્યક્રમ નિહાળી સિંહોના મહત્વ વિશે માહિતી પ્રાપ્ત કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન અંતર્ગત શિલાફલકમ સમર્પણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરો કો વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળામાં, ગ્રામ પંચાયતના મેદાનમાં 75 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

બાળાઓએ સામૈયા દ્વારા માટીના કળશનું સ્વાગત અભિવાદન કર્યું હતું. 75 દિપ પ્રજ્વવલન કરી ભારતમાતાનું પૂજન અને દેશનેતાઓ ક્રાંતિવિરોના બલિદાનોને નમન વંદન કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા દેશભક્તિ, દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે મનગમતી પ્રવૃત્તિ એટલે રંગપુરની, ચિત્રકામ, બાળવાર્તા, બાળનાટક, અભિનય ગીત, બાળગીતો વગેરે પ્રવૃત્તિ એટલે બાળમેળો યોજાયો હતો. તેમજ ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાઇફ સ્કિલ બાળમેળો જેમાં વિદ્યાર્થીઓને પંચર સાંધતા શીખવવું, ફ્યુઝ બાંધતા શીખવવું, સરબત બનાવતા શીખવવું વગેરે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરાવાઈ હતી. આમ બંને શાળાના 600 વિદ્યાર્થીઓએ ત્રિવિધ કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે બંને શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text