મોરબી જિલ્લાના વાઘગઢ ગામની ગલીએ ગલી બોલે છે દેશના વીર સપૂતોના નામ

- text


મોરબી : સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિધિવત રીતે શુભારંભ આગામી 9મી ઓગસ્ટથી થનાર છે. પરંતુ આપણી ધરતી વર્ષોથી એ લડવૈયાઓના ખંત, ખમીર અને શુરાતને ધરબીને બેઠી છે. ત્યારે આજે વાત કરીએ મોરબી જિલ્લાના વાઘગઢ ગામની જેની દરેક શેરીઓ સાથે વણાયેલું છે આપણા રાષ્ટ્રના વીર સપૂતોનું નામ.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલું છે વાઘગઢ ગામ. માંડ 600 જેટલી વસ્તી ધરાવતા આ ગામની શેરીઓ-શેરીઓ સાથે જોડાયેલા છે રાષ્ટ્ર વિભૂતીઓના નામ. ગામની દરેક શેરીને ભારતના મહાપુરુષનું નામ આપવામાં આવ્યું છે અને ત્યાં દરેક જગ્યાએ મહાપુરુષોના નામ સાથે શેરીઓના નિર્દેશ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ જોઈને તરત મનોમન જ આ વીરો ને સત સત વંદન થઈ જ જાય. સરકાર વીરોના સન્માનમાં તેમના ઋણ ચૂકવવા માટે અનેક પ્રકલ્પો હાથ ધરે છે ત્યારે વાઘગઢ ગામમાં વર્ષ-દોઢ વર્ષ પહેલા જ ગ્રામજનોએ એકજૂથ બની ગામની શેરીએ શેરીએ બોર્ડ લગાવ્યા છે. ગ્રામજનોએ લોકફાળાથી જ ગામમાં આ નવીન આયોજન હાથ ધર્યું છે. ગામની આઠે-આઠ શેરીઓને ક્રમાંકે સરદાર પટેલ માર્ગ, સ્વામી દયાનંદ માર્ગ, વીર ભામાશા માર્ગ, સ્વામી વિવેકાનંદ માર્ગ, છત્રપતિ શિવાજી માર્ગ, મહારાણા પ્રતાપ માર્ગ, શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ અને સુભાષચંદ્ર બોઝ માર્ગ નામ આપવામાં આવ્યા છે.

દેશ માટે અતિ મહત્વની ભૂમિકા ભજવનાર મહાન વિભૂતિઓને શ્રદ્ધાંજલિ આપી શકાય, તેમને હંમેશા એક સવિશેષ દરજ્જો આપી શકાય તેમજ આવનારી પેઢી આ મહાપુરુષોમાંથી સારા ગુણ અને સંસ્કારો ગ્રહણ કરે અને તેમને હંમેશા યાદ રાખે તેવા અભિગમ સાથે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

વીરોની યાદ કરી તેમને વંદન કરવાના હેતુથી ગામની શાળાના પટાંગણમાં પણ હાથ ધરેલું બીજું એવું જ આગવું કદમ છે ભારત રત્ન પાર્ક. શાળાના ભારત રત્ન પાર્કમાં સિમેન્ટના સ્ટ્રક્ચર ઉભા કરી તેમાં મહાપુરુષોની પ્રતિમાઓની તકતીઓ લગાડવામાં આવી છે અને બીજી તકતીમાં મહાપુરુષોના જન્મ અને નિર્વાણ દિન સહિતની વિગતો તેમજ રાષ્ટ્રહિતમાં તેમની ભૂમિકાઓને કંડારવામાં આવી છે. આ મહાપુરુષોમાંથી બાળકો ઘણું શીખે છે અને રાષ્ટ્રહિત માટે આ મહાપુરુષોએ આપેલા બલિદાન વિશે માહિતી મેળવી આ વીરોની જેમ પોતે પણ માતૃભૂમિનો ઋણ ચૂકવવાની પ્રેરણા મેળવે છે.

આ બાબતે વાઘગઢ ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયા જણાવે છે કે, “અમારા ગામની શેરીઓનું નામકરણ કરવાની અમારા શાળાના શિક્ષકશ્રી રમણીકભાઈ વડાવિયાએ પ્રેરણા આપી હતી. આપણી આવનારી પેઢી દેશપ્રેમી બને, દેશના વીર સપૂતો વિશે જાણે અને તેમના વિચારો તેમજ સંસ્કારો પોતાના જીવનમાં ઉતારે તેવા હેતુથી સમગ્ર ગામે આવું ઉમદા કાર્ય હાથ ધર્યું છે. ગામના લોકોએ એકજૂથ બની સંપૂર્ણ લોકફાળાથી ગામની દરેક શેરીનું વીર સપૂતોના નામથી નામકરણ કર્યું છે.

શાળામાં આવેલા ભારત રત્ન પાર્ક વિશે વાત કરતા શાળાના શિક્ષકશ્રી રમણીકભાઈ વડાવિયા જણાવે છે કે, “અમારી શાળામાં 10 મહાપુરુષોના સ્મારક બનાવી ભારત રત્ન પાર્ક ઉભું કરવામાં આવ્યું છે. બાળકો આ મહાપુરુષોને યાદ કરી તેમનામાંથી કંઈ શીખે અને તેમને હંમેશા યાદ રાખે તેવા ઉદ્દેશ્ય સાથે શાળામાં આ મહાપુરુષોના જન્મદિવસ તેમજ નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સ્મારક ઉભા કરવાનો એક ઉદેશ એ પણ છે કે, બાળકો આ મહાપુરુષો અને ક્રાંતિકારીઓને પોતાના રોલ મોડલ બનાવી તેમના પંથ પર આગળ વધે. બાળકો શાળાના પટાંગણમાં રમતા રમતા જ સ્વામી દયાનંદ સરસ્વતી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ જેવા મહાપુરુષોને આદર્શ બનાવી તેમના ગુણોને પોતાના જીવનમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે શાળામાં ભારત રત્ન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં તેઓ જણાવે છે કે મારી માટી મારો દેશ, વીર સપૂતોને વંદન એવી ભાવનાને ગામમાં સારી રીતે ઉજાગર કરી શકાય તેવા ભાવ સાથે ગામમાં વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા છે. દેશના વીર સપૂતોને વંદન કરવા માટેનો સરકારનો જે અભિગમ છે મારી માટી મારો દેશ અભિયાનને સારી રીતે ઉજવી શકાય તે માટે પણ વાઘગઢ ગામ અને શાળા પરિવાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

- text

- text