રવાપર રોડના ચકિયા હનુમાનજી પાસે પાણી ભરેલા ખાડાથી વેપારીઓની માઠી દશા

- text


દરરોજ પાણી ભરેલા ખાડામાં ખાબકતા અનેક વાહન ચાલકો, વેપારીઓએ પાલિકાના વહીવટીદારને રજુઆત કરી ખાડાથી મુક્તિ ન અપાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : મોરબીની મુખ્ય બજાર વિસ્તાર અને પોશ વિસ્તારના મુખ્યમાર્ગ ગણાતા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાનજી સુધી ઠેરઠેર વરસાદી પાણી ભરેલા ખાડાને કારણે આસપાસના વેપારીઓની માઠી દશા થઈ ગઈ છે. દરરોજ પાણી ભરેલા ખાડામાં અનેક વાહન ચાલકો ખાબકતા હોવાથી નાની મોટી ઇજાઓ થઈ રહી છે. ત્યારે આજે વેપારીઓએ પાલિકાના વહીવટીદારને રજુઆત કરી ખાડા રોડથી મુક્તિ ન અપાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

રવાપર રોડ ઉપર આવેલ વસંત પ્લોટના નાકેથી ચકિયા હનુમાનજી મંદિર સુધીના રોડ ઉપર વાહન તો ઠીક ચાલીને પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ રોડ ઉપર ઠેરઠેર ફૂટ ફૂટથી પણ મોટા અનેક ગાબડા પડી ગયા છે. તેમાં વરસાદ પડતાં પાણી ભરાવાથી ખાડા ન દેખાતા વાહન ચાલકો સીધા જ ખાડામાં ખાબકે છે. આવી રીતે દરરોજ ખરીદી અર્થે આવતી મહિલાઓ તેમજ અન્ય વાહન ચાલકો મળીને અનેક લોકો ખાડામાં પડતા હોવાથી હાથ પગ ખોખરા થઈ રહ્યા છે. જ્યારે આસપાસના વેપારીઓને આ ખાડાથી ભારે નુકશાની થઈ રહી છે. રવાપર રોડ ઉપર અનેક ગારમેન્ટ અને સાડીના શોરૂમ સહિતની બંને બાજુએ કતારબંધ દુકાનો આવેલી છે. રોડ નજીક જ દુકાનો હોય એને એમાં ખાડા પડેલા હોય તેમજ વરસાદી પાણી ભરાતા વેપારીઓના ધંધા કરવા મુશ્કેલ બન્યા છે. વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાથી પાણી ભરાય રહેતા હજારો વાહન ચાલકો અને અનેક વેપારીઓની બદતર હાલત થઈ ગઈ છે. આથી આજે રવાપર રોડના વેપારીઓએ પાલિકાના વહીવટીદાર એન. કે. મુછારને લેખિતમાં રજુઆત કરી હતી. આ રજુઆતને પગલે પાણી નિકાલ તેમજ ખાડા બુરવા માટે તમામ સાધનો મોકલી દેવામાં આવ્યા છે. પણ વેપારીઓએ કહ્યું હતું કે તંત્ર દ્વારા આ માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે. વરસાદ આવશે તો આવીને આવી ફરી પરિસ્થિતિ સર્જાશે મૂળ ગટર ચોકઅપ થઈ ગઈ હોય તેની સફાઈ કરવામાં આવે તો જ આ વરસાદી પાણીનો નિકાલ થાય એમ છે. જો આ દિશામાં કામગીરી નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text