મોરબીમા માર્ગોમા પડેલા ખાડામાં વૃક્ષો વાવી નવતર વિરોધ દર્શવાતી આમ આદમી પાર્ટી

- text


ફૂટ બે ફૂટના પાણી ભરેલા ખાડા મામલે તંત્રને ઢંઢોળવા પ્રયાસ

મોરબી : મોરબીમાં સામાન્ય વરસાદમાં પણ માર્ગોની સાથે તંત્રની આબરૂનું ધોવાણ થઈ ગયું છે. એક પણ સારો માર્ગ બચ્યો નથી. દરેક માર્ગો ખાડાના અખાડા બની ગયા છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આ ખાડા માર્ગોનો નવતર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પાણી ભરેલા ખાડામાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

મોરબીમાં તંત્રના પાપે માર્ગો પર પડેલા ઠેર-ઠેર ગાબડાઓ મામલે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા નવતર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો વાહનોની અવરજવર ધરાવતા અને મુખ્ય બજાર વિસ્તારના રવાપર રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા હોય આ ગાબડામાં પાણી ભરેલા હોય તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વૃક્ષો વાવીને તંત્ર સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં આપ પાર્ટીના પંકજ રાણસરિયા – મોરબી જિલ્લા પ્રભારી, ભરતભાઈ બારોટ-મોરબી જિલ્લા મહામંત્રી, ઇકબલભાઈ – ઉપપ્રમુખ, મોરબી જિલ્લા, હિતેશભાઈ ભટ્ટ – પ્રમુખ, મોરબી શહેર, ભાવિન પટેલ સહિતના જોડાયા હતા.

આપ પાર્ટીના અગ્રણીઓએ નગરપાલિકા તંત્ર સામે ફિટકાર વરસાવતા કહ્યું હતું કે, સામાન્ય વરસાદમાં પણ શહેરના દરેક માર્ગોનું એટલી હદે ધોવાણ થઈ ગયું છે કે ખબર નથી પડતી ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા ? દરેક માર્ગોમાં એક બે ફૂટના ખાડા પડી ગયા છે. કોઈ એવો સારો માર્ગ બચ્યો નથી કે, જ્યાંથી નગરજનો સરળતાથી ચાલી શકે. દરેક માર્ગોની હાલત અત્યંત જોખમી અને પીડાદાયક છે. ખાડામાં વરસાદના પાણી ભરેલા હોય એટલે વાહન ચાલકોને ખબર નથી હોતી કે, પાણી અંદર મોટો ખાડો છે. એટલે વાહન ચાલકો જેવા ત્યાંથી નીકળવાની કોશિશ કરે કે તરતજ ખાડામાં ખાબકે છે. તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. તંત્રની આંખ ઉધાડવા માટે આ નવતર વિરોધ પ્રદર્શન કરાયું છે અને દરેક ખાડાઓમાં આ રીતે વૃક્ષો વાવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરશે.

- text

- text