ડંપીગ સાઇટને બદલે જેલ રોડના વોકળામાં કચરો ઠાલવી દેતી મોરબી પાલિકા

- text


ઠેર-ઠેર કચરાના ગંજની ગંભીર બનેલી સમસ્યા વચ્ચે ખુદ પાલિકાના સ્ટાફની બેદરકારી સામે આવી

મોરબી : મોરબી શહેરમાં કચરાના ઠેરઠેર ગંજ ખકડાયાની ગંભીર સમસ્યા સર્જાય છે. ઘણી જગ્યાએ નગરપાલિકાનો સફાઈ વિભાગનો સ્ટાફ જ કચરા કલેક્શન કરવા કોઈ વિસ્તારમાં નિયમિત રીતે ન જતો હોવાથી એક વિસ્તારના લોકોએ કંટાળીને તંત્રની આંખ ઉઘાડવા માટે જાહેર રોડ પર કચરાના ગંજ ખડકી દીધા હતા. આટ આટલી અક્ષમ્ય બેદરકારી વચ્ચે તંત્ર ખુદ જ ગંદકી ફેલાવતું હોવાથી ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં નગરપાલિકા તંત્રના કર્મચારીઓએ જ ડંપીગ સાઇટને બદલે જેલ રોડના વોકળામાં કચરો ઠાલવી દીધો છે.

- text

મોરબીના એક જાગૃત નાગરિકે નગરપાલિકા તંત્રના કર્મચારીઓ જ ગંદકી ફેલાવતા હોવાની ગંભીર બેદરકારીને ઉજાગર કરતા જણાવ્યું હતું કે, મોરબીના જેલ રોડ ઉપર મચ્છુ માતાજીના મંદિર તરફ જતી વખતે વચ્ચે આવેલા વોકળામાં નગરપાલિકાના માણસો જ કચરો ઠાલવીને ગંદકી ફેલાવતા હોવાની ગંભીર બેદરકારીની ફરિયાદ કરી હતી. જો કે શહેરભરમાંથી કચરો ભેગો કરીને તંત્રના જે તે વિભાગના માણસોએ રફાળેશ્વર પાસે આવેલ ડંપીગ સાઇટ ઉપર નાખવાનો હોય છે. પણ તંત્રનો આળસુ અને પેધી ગયેલો તેમજ ખાઈ બદેલો સ્ટાફ રફાળેશ્વર સુધી ધક્કો ખાવાને બદલે જેલ રોડના વોકળામાં જ ઠાલવી દે છે. જો કે વોકળામાંથી ગટર અને વરસાદનો પાણી નિકાલ થાય છે. પણ આવી બેદરકારીને કારણે ગટરનું પાણી કે વરસાદનું પાણી વોકળામાં જતું નથી અને પાછું ઠેલાય છે. જેથી પાણીનો ઠેરઠેર ભરાવો થાય છે. તથી નગરપાલિકા તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભારે તેવી જાગૃત નાગરિકે માંગ ઉઠાવી છે.

- text