મોરબી જિલ્લામાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી લેતી સુરેન્દ્રનગર પોલીસ 

- text


મોરબી, માળીયા,ટંકારા,હળવદ પંથકની 19 ચોરીના ભેદ ઉકેલાયા : સોબન, મંડુ, પપ્પુ, ગજાનન અને મુકેશ ઝડપાયા, ભાદર પકડવાનો બાકી 

મોરબી : મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં હાહાકાર મચાવવાની સાથે મોરબી, માળીયા હળવદ સહિતના વિસ્તારમાં કપાસના જિનિંગ મિલો તેમજ અન્ય કારખાનાઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરનાર કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી લેવામાં સુરેન્દ્રનગર પોલીસને જબરી સફળતા મળી છે. પોલીસે આ ચડ્ડી બનિયાનધારી ગેંગની પ્રાથમિક પૂછતાછમાં જ મોરબી જિલ્લાની 19 સહીત કુલ 58 ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે અને લાખોના મુદામાલ સાથે સોબન, મંડુ, પપ્પુ, ગજાનન અને મુકેશ નામના આરોપીને ઝડપી લીધા છે જો કે હજુ ધાડપાડુ ગેંગનો ભાદર પકડવાનો બાકી છે, જોગાનુજોગ આ ગેંગને ઝડપી લેવામાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામના વતની પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની સંયુક્ત ટીમોએ રાત્રીના સમયે કારખાનાઓ નિશાન બનાવતી ચડ્ડી બનિયાનધારી ધાડપાડુ ગેંગને ઝડપી લેવા એક્શન પ્લાન બનાવી ખાસ ટીમોને કામે લગાડતા સુરેન્દ્રનગર પોલીસને ધારી સફળતા મળી છે અને આ કુખ્યાત ગેંગના પાંચ સભ્યોને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ નજીક્થી ઝડપી લેવામાં આવ્યા છે જેમાં દાહોદના વતની સોબન મોજીભાઈ બારીયા, મંડુ ઉર્ફે વીરસીંગ ભાવસીંગ પલાસ, પપ્પુ ભાવસીંગભાઇ પલાસ, ગજાનન માનસિંગ બારીયા અને મુકેશ મલસીંગ રાઠોડ નામના શખ્સને રોકડા રૂપિયા 2,20,000 તેમજ ત્રણ મોબાઈલ સહીત 2,35,000ના મુદામાલ સાથે ગિરફ્તમાં લેવાયા છે હજુ પણ આ ધાડપાડુ ગેંગનો ભાદર હાઉસીંગભાઇ ભાભોર નામનો શખ્સ પકડવાનો બાકી હોય પોલીસે ફરાર જાહેર કર્યો છે.

- text

પોલીસના હાથે ઝડપાયેલ આ ચડી બનિયાનધારી ગેંગના સભ્યોએ પ્રાથમિક પૂછતાછમાં જ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત માળીયા રોડ, હળવદ રોડ, મહેન્દ્રનગર સહિતના વિસ્તારમાં અલગ અલગ 19 ચોરીને અંજામ આપ્યાનું અને ચોરી કે ધાડ પાડવા જાય ત્યારે આ ગેંગ શર્ટ માથા ઉપર બાંધી દઈ પેન્ટને કેડ ઉપર બાંધી તેમાં પથ્થર ભરીને ચડી બનિયાન પહેરીને ગુન્હાને અંજામ આપતા હોવાનું કબુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી લેવામાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામનાવટની પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાની ભૂમિકા મહત્વની રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text