મોરબીની મજાક બંધ કરો ! ગંદકીના ફોટા વોટ્સએપ ઉપર મંગાવી તંત્ર પાણીમાં બેસી ગયું 

- text


મોટા ઉપાડે મોરબીને સ્વચ્છ કરવાની ડંફાસ મારતી પ્રેસનોટ માહિતીખાતા મારફતે અખબાર, મીડિયામાં છપાવ્યા બાદ તંત્રની જવાબ આપવાની મનાઈ થઇ ગઈ 

મોરબી : મોરબી નગરપાલિકાની કચેરી હોય કે, જિલ્લા સેવા સદન હોય કે પછી કોઈપણ જાહેર માર્ગ હોય કે પછી નાની મોટી કોઈપણ ગલી હોય…. આજે એકપણ એવું સ્થળ નથી કે જ્યાં ગંદકી ન હોય !! આવી સ્થિતિ વચ્ચે મોરબી નગરપાલિકા દ્વારા બે દિવસ પૂર્વે ગુજરાત રાજ્યના માહિતી ખાતા મારફતે મોરબીને સ્વચ્છ બનાવવા વોટ્સએપ નંબર જાહેર કરી નાગરિકોને ગંદકીના ફોટા મોકલી આપવા આમંત્રણ આપ્યું અને 24 કે 48 કલાકમાં જ ગંદકી દૂર કરવાની ડંફાસ મારનાર પાલિકા સહિતનું તંત્ર હાલમાં પાણીમાં નહીં પણ ગંદકીમાં બેસી ગયું છે. આ બે દિવસમાં મોરબીના જાગૃત નાગરિકોએ ગંદકીને લગતી ખટારો ભરાઈ તેટલી ફરિયાદ કરી છતાં તંત્ર ગંદકી દૂર નથી કરી શક્યું ઉલટું હવે મીડિયા સાથે વાત કરવાથી પણ મો ફેરવી લઈ ઉપરથી મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોવાની કેસેટ ચાલુ થઇ ગઈ છે અને મોરબીના નાગરિકોની મજાક કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

ગંદકીના ગંજ વચ્ચે પણ સ્વચ્છતા સર્વેક્ષણના નાટકો કરી લોકોને અને ખાસ કરીને ઓનલાઇન સ્વચ્છતાના પોકળ દાવા કરતા મોરબી નગરપાલિકાના તંત્રએ બે દિવસ પહેલા જાણે હોશોહવાસ ગુમાવીને જાહેરાત કરી હોય તેમ માહિતીખાતાની પ્રેસનોટ મોકલી નાગરિકોને પોતાની આજુબાજુમાં ક્યાંય પણ ગંદકી જોવા મળે તો મોબાઈલ વોટ્સએપ નંબર 9879889077 ઉપર ફોટો મોકલાવવા ખુલ્લું આમંત્રણ પાઠવી 24 કલાકમાં જ કચરાનો નિકાલ થઇ જશે તેવી પ્રેસનોટ જાહેર કરી હતી. બીજી તરફ તંત્રની આવી જાહેરાતથી મોરબીના નાગરિકોને આશા બંધાઈ હતી કે, હાશ હવે આપણો ગંદકીનો પ્રશ્ન દૂર થશે.

જો કે, બીજી તરફ મીડિયાએ શહેરમાં જેમની તેમ સ્થિતિ જોતા જવાબદાર ચીફ ઓફિસર પાસે બે દિવસમાં કેટલી ફરિયાદો આવી અને કેટલી જગ્યાએથી કચરો દૂર કરવામાં આવ્યો તે અંગેની સત્તાવાર માહિતી માંગતા તંત્ર દ્વારા સત્તાવાર રીતે કઈ પણ કહેવાનો ઇન્કાર કરી દઈ ઉપરથી મીડિયા બ્રીફિંગની મનાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે મોરબી નગરપાલિકાના વહીવટદાર એન.કે.મુછારનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવતા તેમનો ફોન પણ નો રીપ્લાય થયો હતો, આમ ગંદકી હટાવવામાં મામલે વોટ્સએપ નંબર જાહેર કરી તંત્ર હાલમાં પાણીમાં નહીં પણ ગંદકી વચ્ચે ખોવાઈ ગયું હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.

- text

જો કે વોટ્સએપના માધ્યમથી ગંદકી હટાવવાના પોકળ દાવા કરનાર તંત્ર સમક્ષ કેટલી ફરિયાદો આવી અને કેટલી ફરિયાદોનો નિકાલ થયો તે અંગે કોઈ ચોક્કસ આંકડો તંત્રએ જાહેર કર્યો નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ બે જ દિવસમાં ગંદકીથી ત્રાહિમામ થયેલા મોરબીના હજારો નાગરિકોએ ખટારો ભરાય તેટલી ફરિયાદો કરી હોવાનું બહાર આવ્યું છે અને તંત્ર આ ફરિયાદોનો જાહેરાત મુજબ નિકાલ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી જ આંકડા જાહેર કરવામાં ક્ષોભ અનુભવી રહ્યાનું પણ ફલિત થઇ રહ્યું છે.

- text