ઉમિયા સર્કલ નજીક સોસાયટીમાં 11 કેવીની વીજલાઇન જોખમી, મહિલાને શોક લાગ્યો

- text


11 કેવીની હેવી વિજલાઈન ચાલુ હોવાથી સોસાયટીમાં કોઈ સુરક્ષિત ન હોવાની વિજતંત્રને ફરિયાદ કરાઈ ત્યાંજ શોક લાગવાનો બનાવ

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલી સોસાયટીમાં 11 કેવીની હેવી વિજલાઈન જોખમી બની ગઈ હોય એમ એક મહિલાને વિજશોક લાગતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આથી સ્થાનિકોએ 11 કેવીની હેવી વિજલાઈન ચાલુ હોવાથી સોસાયટીમાં કોઈ સુરક્ષિત ન હોવાની વિજતંત્રને ફરિયાદ કરીને આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

- text

મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલથી ગોકુલ મથુરા રોડ પાસે આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ ફુલતરિયાએ વિજતંત્રને રજુઆત કરી હતી કે, તેમની શેરીમાંથી નીકળતી 11 કેવીની હેવી વિજલાઈન ચાલુ હોવાથી જોખમી બની છે. આ ફરિયાદ મામલે પગલાં લેવાય તે પૂર્વે જ આજે આ હેવી વિજલાઈનથી સંગીતાબેન રોહિતભાઈ પટેલ ઉમર 28 ને શોર્ટ લાગતા તેમને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હેવી વિજલાઈનથી સોસાયટીમાં કોઈ સુરક્ષિત નથી. ગમે ત્યારે હેવી વિજલાઈનમાંથી શોર્ટ લાગે તેવી ભીતિ વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમની શેરીમાં આ લાઇન પર પોલ હેઠળ સુરક્ષા માટે ગાર્ડ સ્થાપિત નથી.આથી લાઇન હેઠળ આવતા લોકોનું જીવન સલામત રહ્યું ન હોવાથી તેમની શેરીમાંથી પસાર થતી આ હેવી વિજલાઈન પોલ બદલવાની માંગ કરી છે.

- text