બીપરજોય વાવઝોડાને પગલે મોરબી જિલ્લાના 352 ગામોને એલર્ટ કરાયા

- text


સ્થળાંતરિત લોકો માટે તમામ શાળાઓને આશ્રયસ્થાન બનાવી દેવાઈ, આરોગ્ય, પશુ ડૉક્ટરો, પોલીસ, વીજ તંત્ર સહિતની ટિમો સાથેના ચાર પીએચસીને બનાવેલા રેપીડ પોઇન્ટ સ્ટેન્ડ બાય

મોરબી : મહાઆફ્ત સમાન બીપોરજોય વાવઝોડાની ગતિ ઘટી છે. પણ આ વાવાઝોડાનું જોખમ યથાવત છે. આવતીકાલે આ વાવઝોડું ગુજરાતમાં અસર કરી શકે તેવી હવામાન ખાતાની આગાહી હોય મોરબી જિલ્લાના દરિયાકાંઠાના ગામોને પણ વાવાવઝોડાની અસર થાય તેમ હોવાથી મોરબી મુકામ કરી રહેલા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડ ઉપર છે. આ વાવઝોડાની સંભવિત અસર થાય તેમ હોય મોરબી જિલ્લાના દરિયાકાંઠા સહિતના અસરગ્રસ્ત 352 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે.

બીપોરજોય વાવઝોડાની સંભવિત અસરને લઈને જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ મંત્રી કનુભાઈ દેસાઈ બેઠકનો દૌર કરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાની સાથે આ વાવઝોડા સામે રક્ષણ મેળવવા અત્યાના પગલાં લઈ રહ્યા છે. 352 ગામોને એલર્ટ કરીને ડીડીઓ ડી.ડી. જાડેજાએ દરેક ગામમાં તા 16 સુધી શાળાના આચાર્યો અને તલાટીઓને રહેવાની સુચના આપી છે. જ્યારે સ્થળાંતરિત લોકો માટે તમામ શાળાઓને આશ્રયસ્થાન બનાવી દેવાય છે. આશ્રયસ્થાનોમાં અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિત તમામ વ્યવસ્થા કરવાની તાકીદ કરી છે. તેમજ ત્યાં તલાટી અને ગ્રામસેવકને પણ જરૂરી જવાબદારી સોંપવામાં આવી છે. તમામ આચાર્યો અને તલાટીઓને જે તે ગામા રહેવું અને તોફાન ટળી ન જાય ત્યાં સુધી ગામમાં રહેવું તેમજ સરપંચો સાથે રહી પરિસ્થિતિનો તાગ મેળવાની સૂચના આપી છે.

- text

વાવઝોડાને પહોંચી વળવા ડીડીઓએ આમરણ, વવાણીયા, ખાખરેચી અને સરવડ એમ આ ચાર પીએચસી સેન્ટરોમાં રેપીડ પોઈન્ટ બનાવી તેમાં આરોગ્ય ટીમ, પશુ ડોકટરો, પોલીસ જવાનો, પીજીવીસીએલની ટીમ ગ્રામ સેવક, સેક્શન ઓફિસર, વિસ્તરણ અધિકારી પશુ સહિત બે એમ્બ્યુલન્સ, જેસીબી સહિતના જરૂર પડતા સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે રાહત અને બચાવની તમામ કામગીરી કરી શકાય તે માટે આ તમામ ટીમોનું રેપીડ પોઇન્ટ બનાવી જગ્યા ન છોડવાનો આદેશ આપ્યો છે. આ દરિયાકાંઠાના ગામો હોય ગમે ત્યારે બચાવની જરૂર પડે તો તુરત મદદ કરી શકાય અને વાવઝોડા દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં મદદની જરૂર પડે તો તાત્કાલીક રેપીડ પોઇન્ટ ટીમને પહોંચી જવાની સૂચના આપી છે. આ ટીમના સ્ટાફ મદદ માટે સતર્ક છે કે કેમ તેની ચકાસણી માટે ખુદ ડીડીઓ દ્વારા વીડિયો કોલ કરીને હાજરી ચેક કરવામાં આવે છે.

- text