વાયુ, નિસર્ગ અને તોક્તે બાદ બિપરજોય ! પાંચ વર્ષમાં ગુજરાતમાં ચોથું પ્રચંડ વાવાઝોડું 

- text


જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું 

દરિયાકાંઠાના આઠ જિલ્લાના 441 ગામોના આશરે 16. 76 લાખ લોકો બિપોરજોયથી પ્રભાવિત થવાની ધારણા

મોરબી : પહેલા વાયુ, નિસર્ગ અને તોક્તે બાદ બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગના માટે જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના આઠ જિલ્લાના 441 ગામોના આશરે 16. 76 લાખ લોકો બિપોરજોયથી પ્રભાવિત થવાની ધારણા સેવાઈ રહી છે.

આગામી 15 જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોયની અસર અત્યારથી વરતાઈ રહી છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને અસર કરતું આ ચોથુ મોટું ચક્રવાત છે. 2019માં ચક્રવાત વાયુએ રાજ્યમાં લેન્ડફોલ કર્યુ હતુ અને ત્યારબાદ 2020માં નિસર્ગ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કરી ભયંકર તારાજી સર્જી હતી. આ અગાઉ 1998થી લઈ છેલ્લા 20 વર્ષોમાં ચાર મોટા ચક્રવાતનો ગુજરાતે અનુભવ કર્યો હતો. એ સમયે સુપર સાયક્લોન કંડલામાં ત્રાટકતા 2018માં વ્યાપક નુકસાન થયું હતું.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અરબી સમુદ્રના પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોમાં વધારે થવા પાછળના ઘણા કારણો પૈકી આબોહવા પરિવર્તન મુખ્ય છે. હવામાન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, લક્ષદ્વીપ ટાપુઓની આસપાસના ચક્રવાતના મૂળથી લઈને ગુજરાત સુધીની ફનલ એટલે કે ગરણી આકારની દરિયાકાંઠાની રેખાઓ ચક્રવાતને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ખેંચી લાવે છે. ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં સરેરાશ સપાટીના દરિયાઈ તાપમાનમાં વધારાને કારણે રાજ્ય વધુ સંખ્યામાં ચક્રવાત ત્રાટકવાની ચેતવણી પણ તજજ્ઞો ઉચ્ચારી રહ્યા છે.

- text

ચક્રવાત માટે ગુજરાતના દરિયાકાંઠાની સંવેદનશીલતા વધી રહી છે. 2021માં ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાન શાસ્ત્ર સંસ્થા (IITM) દ્વારા કરવામાં આવેલાં અભ્યાસના સંશોધકોએ દાવો કર્યો હતો કે, 1982 અને 2000ની સરખામણીમાં 2001 અને 2019 વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનોની સંખ્યા અને અવધિમાં 52 ટકાનો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીએ ચક્રવાતી તોફાનોમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની પેટર્નમાં મોટો ફેરફાર સૂચવે છે.હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા તાજા અંદાજે સૂચવ્યું હતું કે, વાવાઝોડું બિપરજોય કચ્છ-પાકિસ્તાન સરહદ વિસ્તારમાં કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થઈ શકે છે જે મંગળવાર સુધીમાં સ્પષ્ટ થશે.

બીજીતરફ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા બિપરજોયને પગલે તમામ આગોતરી તૈયારી કરી જાનમાલને નુકશાન ન થાય તે માટે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે વાવાઝોડું બિપરજોય રાજ્યના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓના 441 ગામોમાં આશરે 16. 76 લાખ લોકોને પ્રભાવિત કરી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text