ઘઉંના વધતા ભાવ અને સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ લાદી

- text


નિકાસ ઉપર પ્રતિબંધ યથાવત, ઘઉંના ભાવ ઘટવાનો સરકારનો દાવો

મોરબી : ખુલ્લા બજારમાં ઘઉંના સતત વધી રહેલા ભાવને કાબુમાં લેવાની સાથે સંગ્રહખોરી ડામવા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. સાથે જ સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત સૌ પ્રથમ તબક્કામાં સેન્ટ્રલ પૂલમાંથી જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને 1.5 મિલિયન ટન ઘઉં વેચવાનું પણ નક્કી કર્યું છે.

કેન્દ્ર સરકારના ખાદ્ય બાબત સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ઘઉંના ભાવમાં ઘણો વધારો થયો છે. વિવિધ બજારોમાં ઘઉંની કિંમતોમાં આશરે આઠ ટકાનો વધારો થયો છે. જોકે જથ્થાબંધ અને છૂટક ભાવમાં આટલો વધારો થયો નથી. અલબત સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદી છે.

- text

આ ‘સ્ટોક લિમિટ’ 31 માર્ચ, 2024 સુધી વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ, મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ અને પ્રોસેસર્સ પર લાદવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી ઘઉંના કાળાબજાર પર અંકુશ લગાવવામાં મદદ મળશે, આ પગલાથી ભાવ ઘટાડવામાં મદદ મળશે. ઘઉં પરની આયાત ડ્યૂટી ઘટાડવા અંગે સચિવે જણાવ્યું હતું કે દેશમાં પૂરતા પુરવઠો હોવાથી નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પણ યથાવત રહેશે. તેમણે કહ્યું, “દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે.

હાલ સરકાર આયાત કરવાનું વિચારતી ન હોવાનું જણાવ્યું હતું. દેશમાં ઘઉંની કોઈ અછત ન હોવાનું અને ઘઉં સિવાય સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ચોખા વેચાણ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે અને તેનું પ્રમાણ હવે પછીથી નક્કી કરવામાં આવશે. અધિકારીએ એમ પણ કહ્યું કે ખાંડની વધુ નિકાસને મંજૂરી આપવાની હાલમાં કોઈ દરખાસ્ત નથી.

- text