વાહ રે વાહ… સિમેન્ટને બદલે ગારા માટીનો વોશિંગ ઘાટ ચણી કૌભાંડ

- text


હળવદના માણેકવાડા ગામે તળાવ કાંઠે ગ્રામ પંચાયતે લોટ પાણીને લાકડા જેવું કામ કરી ગ્રાન્ટના 93000 હજાર રૂપિયા હજમ કરી નાખ્યા

હળવદ : હળવદના છેવડાના ગામ માણેકવાડા ગામમાં ગ્રામ પંચાયતે વોશિંગ ઘાટ બનાવવાના કામમાં કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં વોશિંગ ઘાટ બનાવવા માટે સિમેન્ટ અને પાકા પથ્થરોનું કામ થવું જોઈએ પણ ગ્રામ પંચાયતે સિમેન્ટની જગ્યાએ ગારાનું ચણતર કરીને વોશિંગ ઘાટ માટે સરકારે ફાળવેલી રૂ.93000ની ગ્રાન્ટ હજમ કરી નાખતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના છેવાડાના માણેકવાડા ગામે તળાવ કાંઠે મહિલાઓને કપડાં ધોવા માટે વોશિંગ ઘાટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હળવદ બાંધકામ શાખા પાસેથી વિગતો માંગતા તેઓએ જણાવ્યું હતું કે, માણેકવાડા ગામમાં વોશિંગ ઘાટ બનાવવા માટે રૂ. 93000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને 15માં નાણાં પંચની યોજના હેઠળ માણેકવાડાની ગ્રામ પંચાયત દ્વારા જ આ તળાવના કાંઠે વોશિંગ ઘાટ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ વોશિંગ ઘાટ બનાવવા માટે પાકા પથ્થરો અને મજબૂત સિમેન્ટનો ઉપયોગ થવો જોઈએ. એના બદલે માણેકવાડાની ગ્રામ પંચાયતે તળાવ કાંઠે હલકા પથ્થર અને ગારાનું ચણતર કરીને નબળો વોશિંગ ઘાટ બનાવીને કૌભાંડ આચરી નાખ્યું છે. વધુમાં ગ્રાન્ટના રૂ. 93000 પણ બરોબર હજમ કરી જવાતા ગામના જાગૃત લોકોએ ગારાના ચણતરનો વીડિયો બનાવીને વાયરલ કરતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

- text

જો કે, મહિલાઓ આવા નબળા ઘાટ ઉપર કપડાં ધુએ તો તરતજ પાણીને કારણે આ ગારાનો બનેલો ઘાટ ધોવાઈ જાય એમ છે. ખુલ્લી આંખે આ કૌભાંડ દેખાઈ આવતું હોય કોઈ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામલોકોએ માંગ કરી છે.

- text