“આરોગ્ય માટે સાયકલ”ની થીમ સાથે આવતીકાલે મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે

- text


ઉમિયા સર્કલ શનાળા રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની સાયકલ રેલી યોજાશે

મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, મોરબી દ્વારા તા. ૩ જૂનને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આરોગ્ય માટે સાયકલની થીમ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાયકલ રેલી તા. ૩ જૂનને શનિવારે સવારે ૭:૩૦ કલાકે ઉમિયા સર્કલ, શનાળા રોડથી શરૂ થશે અને મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે પૂર્ણ થશે.

નેશનલ એમસીડી મોનિટરીંગ સર્વે (NNMS) (2017-18) દરમિયાન 41.3% ભારતીયોમાં શારિરીક પ્રવૃત્તિઓનો અભાવ જોવા મળ્યો છે. શારિરીક નિષ્ક્રિયતાને લીધે બિનચેપી રોગો, જીવનશૈલી આધારિત રોગો (NCD) થવાનું મુખ્ય કારણ છે. ત્યારે શારિરીક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો આ રોગોના જોખમમાં ઘટાડો થાય છે એટલું જ નહીં પરંતુ માનસિકતા પર હકારાત્મક અસર થાય છે. ઈકોફ્રેન્ડલી વાહનવ્યવહાર દ્વારા શારિરીક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ૩ જૂનના વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આરોગ્ય માટે સાયકલની થીમ આધારિત વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે મોરબીમાં સવારે ૭:૩૦ કલાકે ઉમિયા સર્કલ શનાળા રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની સાયકલ રેલી યોજાશે.

આ સાયકલ રેલીમાં ભાગ લેનારે શક્ય હોય ત્યાં સુધી સફેદ ટી-શર્ટ કે શર્ટ અથવા સંપૂર્ણ સફેદ કપડાં પહેરવાના રહેશે. ભાગ લેનારે પોતાની સાયકલ સાથે લાવવાની રહેશે. તેમજ ઉમેદવારે જરૂરિયાત મુજબ પાણીની બોટલ સાથે લાવવાની રહેશે. રેલીમાં બતાવ્યા મુજબના સમય પર હાજર રહેવાનું રહેશે તેમજ ભાગ લેનારે રેલી દરમિયાન ટ્રાફીક તેમજ અન્ય નિયમોનું પાલન કરવાનું રહેશે.

- text

આ સાયકલ રેલીમાં મોરબી જિલ્લાની જાગૃત જનતા, તમામ સંસ્થાઓ, સાયકલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહેવા જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text