હળવદના ચકચારી સગીરા દુષ્કર્મ કેસમાં બે નરાધમોને 20 વર્ષની કેદ

- text


એક બાળ આરોપીનું ચાલુ કેસે મૃત્યુ : સગીરાને 4 લાખનું કંપેસેશન ઉપરાંત આરોપીઓને ફટકારેલ દંડના 51 હજાર ચૂકવવા આદેશ

હળવદ : વર્ષ 2018મા હળવદમાં ચકચારી બનેલા સગીરાને રીક્ષામાં અપહરણ કરી હાથ પગ બાંધી દઈ સામુહિક દુષ્કર્મ ગુજારવાના કેસમાં મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે બે નરાધમ આરોપીઓને 20 વર્ષની કેદ અને 51 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે, આ કેસમાં સંડોવાયેલ બાળ અપરાધીનું ચાલુ ટ્રાયલે મૃત્યુ થયાનું પણ બહાર આવ્યું છે.

આ ચકચારી કેસની વિગત જોઈએ તો વર્ષે 2018માં હળવદ હરીદર્શન હોટલ પાસે ચાલીને જઈ રહેલ સગીરાનું આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો, ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા અને રવિ જગદીશભાઈ મોરી નામના આરોપીએ રીક્ષામાં અપહરણ કરી સગીરાના હાથ પગ બાંધી દઈ બાવળની કાટમા લઈ જઈ શારીરિક ઇજાઓ પહોંચાડી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં સગીરાએ સમગ્ર હકીકત માતાપિતાને કહેતા આ મામલે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવમાં આવ્યો હતો. જે અંગેનો કેસ મોરબીની નામદાર સ્પેશિયલ પોકસો અદાલતમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ ડી.કારીયાએ કરેલી ધારદાર દલીલો અને 24 મૌખિક તેમજ 47 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો, ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજાને તકસીરવાન ઠેરવી અલગ અલગ કલમો અન્વયે 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 51 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text

આ ચકચારી કેસમાં કાયદા સાથે સંઘર્ષમાં આવેલ આરોપી રવિ જગદીશ મોરીનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટે રાજ્ય સરકારની જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખ કંપેસેશન મંજુર કરી આરોપીઓને ફટકારવામાં આવેલ રૂપિયા 51 હજાર પણ ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો હતો.

- text