લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડના કામમાં લોટ,પાણીને લાકડા 

- text


નબળી ગુણવત્તાનું કામ કરી રહેલા કોન્ટ્રાકટર સાથે માર્ગ અને મકાન વિભાગની સાઠગાંઠનો આરોપ : વિજિલન્સ તપાસની માંગ 

મોરબી : લજાઈ ચોકડીથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરને જોડતા માર્ગને પહોળો કરવા અને નવીનીકરણ કરવાના કામમાં માર્ગ અને મકાન વિભાગની સાંઠગાંઠથી કોન્ટ્રાકટર લોટ, પાણીને લાકડા જેવું કામ કરી રહ્યો હોય સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર રોડનું હાલમાં વાઇડનીંગ અને રી-સરફેસનું કામ ચાલુ છે, પ્રજાજનોને વર્ષો બાદ સારો રસ્તો મળવાની આશા વચ્ચે હાલમાં આ કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે ઉપરોક્ત કામ બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અનિલ બાબુલાલ ડાકા દ્વારા માગવામાં આવેલી માહિતી આપવામાં માર્ગ અને મકાન વિભાગ ઠાગાઠૈયા કરીને માંડ વિગતો આપી છે. જે દર્શાવે છે કે ઉપરોક્ત કામમાં કાંઈક શંકા પ્રેરે એવો કામ થઈ રહ્યું છે જેમ કે રોડના વાઈડનીંગ કામમાં નિયમ મુજબનું ખોદાણ અને બુરાણ થયેલ નથી બીજું આ રોડ પર મંજૂર થયેલ એક પુલિયાનું કામ પણ શંકા પ્રેરે તેવું છે જેમાં એક મહિના બાદ તિરાડો દેખાવા લાગી છે. જે સામાન્ય રેતી સિમેન્ટથી પૂરી દેવામાં આવી છે.

સરકારના ટેન્ડરના નિયમો અનુસાર કામ કરતી એજન્સીએ કામ ચાલુ કર્યાના પ્રથમ દિવસે જ કામની બાબતને પ્રસિદ્ધ કરતું બોર્ડ લગાવવાનું હોય છે જે કામના ચાર મહિના થવા છતાં ક્યાંય લગાવેલ નથી એ શું સૂચવે છે ? તેમજ હડમતીયાના પાદરમાં જે 400 મીટરનો સીસી રોડ બનાવવામાં આવેલ છે આ રોડની કામગીરીમાં પણ બેદરકારી દાખવવામાં આવેલ છે તેમજ રોડની બંને સાઈડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલ છે જે પ્રોટેક્શન વોલની અંદર લોખંડ નાખવામાં આવે છે એ લોખંડની ડિઝાઇન માર્ગ મકાન દ્વારા નક્કી કરવામાં આવે છે જે ડિઝાઇનની અમોએ માહિતી માગતા માહિતી આપવામાં આવેલ નથી તો આ શું સૂચવે છે ? આ મામલે ગ્રામજનોએ વેધક સવાલો ઉઠાવ્યા છે.

- text

વધુમાં કોન્ટ્રાકટરના નબળા કામ ઉપર તંત્ર દ્વારા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઢાક પિછોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજનેતાઓ પણ ચૂપ થઇને બેઠા હોવાથી આ રોડ પર આવતા ગામોના લોકો તેમજ અન્ય વાહન ચાલકો જે આઠ દસ વર્ષથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા તેવી જ મુશ્કેલી આગામી સમયમાં ભોગવી પડે એવી શંકા પ્રેરાઈ રહી છે. ઉપરોક્ત રોડનું કામ ચાલુ છે ત્યારથી અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સેફ્ટી માટેના કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી અને આ અંગે અધિકારીઓ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની મીલીભગત હોવાની શંકા પ્રેરી રહ્યું છે. સરકાર દ્વારા સારા રોડ રસ્તા બને એ માટે કડક સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ એ સૂચનાનું પાલન થાય છે કે કેમ તેની કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી ન હોય એવું હાલ તો લાગી રહ્યું છે. આ સંજોગોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ રોડની વિજિલન્સ તપાસ થાય એવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text