વાંકાનેરને એકાંતરા પાણી આપી, વિકાસ કામો વેગવંતા બનાવો : ધારાસભ્ય સોમાણી

- text


વાંકાનેર વિસ્તારના અધૂરા કામો પુરા કરી વરસાદી પાણી નિકાલ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો ઝડપથી શરૂ કરવા ચીફ ઓફિસરની ભલામણ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયા બાદ વિકાસકામોને બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ વચ્ચે હાલમાં નિયમિત રીતે લોકોને પીવાનું પાણી પણ નથી મળતું ત્યારે ધારાસભ્ય જીતુ સોમાણીએ વાંકાનેર ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી લોકોને એકાંતરા પાણી આપવાની સાથે જે કામોને તાંત્રિક મંજૂરી મળી ચુકી છે તેવા કામો તાત્કાલિક ચાલુ કરવાની સાથે વરસાદી પાણીના નિકાલ અને સ્ટ્રીટ લાઈટની કામગીરી પૂર્ણ કરવા ભલામણ કરી છે.

લાંબા સમયથી વાંકાનેર નગરપાલિકા તંત્ર સુષુપ્તાવસ્થામાં આવી ગયું હોય લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડી રહી હોય ધારાસભ્ય જીતુ સોમાણી મેદાને આવ્યા છે, ધારાસભ્ય સોમાણીએ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી હાલમાં લોકોને અઠવાડીએ એક જ વખત પાણી મળી રહ્યું હોય વહેલામાં વહેલી તકે અગાઉની જેમ એકાંતરા પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા ભલામણ કરી છે.

- text

આ સાથે જ ધારાસભ્ય સોમાણીએ વાંકાનેર નગરપાલિકા હસ્તકના જે કામોને તાંત્રિક અને વહીવટી મંજરી મળી હોય તેવા કામોમાં રસ્તાના કામ, પેડિકમાં જવાનો નાનો પુલ, પોલીસ સ્ટેશનપાસેનુ નાળુ, મીલ પ્લોટના રસ્તાના અધૂરા કામ પૂર્ણ કરી વાંકાનેરના વિકાસ કામોને ઝડપી બનાવવા અંગત ભલામણ કરી છે.

ઉપરાંત ધારાસભ્ય દ્વારા વાંકાનેર પેડકથી રાતીદેવડી રોડને ડબલ લાઈન કરી જ્યાં પાણી ભરાય છે ત્યાં પાઈપલાઈન નાખવાનું કામ કરવું, જડેશ્વર રોડ ઉપર રસ્તો પહોળો કરી વીજ પોલ ઉભા કરવા, મામલતદાર ઓફિસથી અમરસર સુધી વીજ પોલ ઉભા કરવા તેમજ જિનપરા જકાત નાકાથી અમરસિંહજી હાઈસ્કૂલ સુધી સ્ટોર્મ વોટર, ડ્રેનેજ અને પેવિંગ બ્લોકના કામ કરવા અંગત ભલામણ કરવામાં આવતા હવે વાંકાનેરના વિકાસ કામો વેગવંત બને તેવા સંકેતો મળી રહ્યા છે.

- text